Maharashtra: નાયબ સીએમ Ajit Pawarએ બારામતીથી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો
બારામતી : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે(Ajit Pawar) રવિવારે શરદ પવારના ગઢ બારામતીથી આગામી વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. તેમણે મહિલાઓ માટે આર્થિક સહાય સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરીને મહાયુતિ ગઠબંધન માટે મત માંગ્યા હતા. અજિત પવારે પાર્ટીના કાર્યકર્તાઓને તેમના પર વિશ્વાસ રાખવા અને બંધારણ બદલવા અંગે વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવી રહેલી ખોટી વાતો પર વિશ્વાસ ન કરવા જણાવ્યું હતું.
માજી લાડકી બહેન યોજનાનો ઉલ્લેખ કર્યો
અજિત પવારે કહ્યું કે કેટલાક લોકો આવનારી ચૂંટણીમાં ખોટી વાર્તા બનાવવાની કોશિશ કરશે. પરતું જ્યાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી બંધારણ બદલવાની કોઈ હિંમત નહીં કરે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારમાં નાણાં મંત્રાલયનો પોર્ટફોલિયો ધરાવતા અજિત પવારે તાજેતરમાં શરૂ કરાયેલ ‘માજી લાડકી બહેન યોજના’ નો ઉલ્લેખ કર્યો, જેનો હેતુ પાત્ર મહિલાઓને 1,500 રૂપિયાની માસિક નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.
મારી પાર્ટીનો એજન્ડા વિકાસ છે- અજીત પવાર
અજિતે કહ્યું કે તેઓ ગરીબો, ખેડૂતો અને મહિલાઓના કલ્યાણ માટે સત્તાનો ઉપયોગ કરવામાં માને છે. ગયા મહિને વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન તેમના દ્વારા રજૂ કરાયેલ રાજ્યનું બજેટ આ ઉદ્દેશ્યની સાક્ષી પૂરે છે. તેમણે કહ્યું કે ગરીબી નાબૂદી અને વિકાસ મારી પાર્ટીનો એજન્ડા છે, જ્યારે મારા વિરોધીઓએ જુઠ્ઠાણા ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ખાંડના ન્યૂનતમ ટેકાના ભાવ વધારવા વિનંતી
અજિતે કહ્યું કે સમાજના તમામ વર્ગોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગર્લ ચાઈલ્ડ સ્કીમ, ત્રણ મફત એલપીજી સિલિન્ડર, છોકરીઓ માટે મફત કૉલેજ શિક્ષણ, ખેડૂતો માટે મફત વીજળી અને યુવાનો માટે કુશળ ઉદ્યોગસાહસિકતા જેવા પગલાંનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધની લોકસભા ચૂંટણીના પરિણામો પર વિપરીત અસર પડી હતી. આવી સ્થિતિમાં અજિત પવારે કહ્યું કે તેમણે કેન્દ્રીય મંત્રી અમિત શાહને ખાંડના ન્યૂનતમ ટેકાના ભાવ (MSP)વધારવા વિનંતી કરી છે.
તેમણે એમ પણ કહ્યું કે દૂધ, પાઉડર અને ડુંગળીની આયાત થઈ રહી છે તેવા ખોટા પ્રચારમાં કોઈએ વિશ્વાસ ન કરવો જોઈએ. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે અમિત શાહે મને MSP વધારવાની માંગ પર રિપોર્ટ આપવા કહ્યું છે. તેઓ 21મી જુલાઈએ પુણે આવી રહ્યા છે. હવે આપણે મુંબઈને વિશ્વની આર્થિક રાજધાની બનાવવી છે.
પ્રચારની શરૂઆત બારામતીથી કેમ કરી?
NCP કાર્યકરોની રેલીને સંબોધવા માટે અજિત પવારની બારામતીની પસંદગી એ દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે કે તેમની પત્ની સુનેત્રા પવારને આ લોકસભા બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો. સુનેત્રા આ સીટ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેથી હારી ગઈ હતી. મહા વિકાસ આઘાડી (MVA)એ લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 48માંથી 30 બેઠકો જીતી હતી.
વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને મત આપો
અજિત પવારે કહ્યું ચિંતા ન કરો, સમગ્ર રાજ્યમાં રેલીઓ યોજવામાં આવશે. આગામી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને મત આપો. વિપક્ષી પાર્ટીઓ પર પરોક્ષ રીતે નિશાન સાધતા, તેમણે એનસીપીના કાર્યકરોને ચૂંટણી પહેલા ભ્રામક ઝુંબેશ પર ધ્યાન ન આપવા કહ્યું. અજિતે કહ્યું કે લાગણીશીલ રહેવાથી વિકાસ સુનિશ્ચિત નહીં થાય પરંતુ આપણે અથાક મહેનત કરવી પડશે.
બીજી એક વાત હું દરેકને આશ્વાસન આપવા માંગુ છું કે ભારતના બંધારણને કોઈ સ્પર્શશે નહીં કે બદલશે નહીં. પ્રફુલ પટેલ, છગન ભુજબળ, દિલીપ વાલસે પાટીલ, સુનીલ તટકરે અને ધનંજય મુંડે સહિત NCPના ઘણા નેતાઓએ રેલીમાં ભાગ લીધો હતો.
Also Read –