ફોટા અને વીડિયોના દુરુપયોગ સામે સુનીલ શેટ્ટીએ ઉઠાવ્યો અવાજ: બોમ્બે હાઈ કોર્ટમાં કરી કેવી માંગ, જાણો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમનોરંજન

ફોટા અને વીડિયોના દુરુપયોગ સામે સુનીલ શેટ્ટીએ ઉઠાવ્યો અવાજ: બોમ્બે હાઈ કોર્ટમાં કરી કેવી માંગ, જાણો

મુંબઈ: આજના AIના જમાનામાં જાણીતી ફિલ્મી હસ્તીઓના ફોટો અને વીડિયોનો ઘણા લોકો દૂરઉપયોગ કરી રહ્યા છે. જેને લઈને ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન સહિતના ઘણા કલાકારોએ કોર્ટમાં અવાજ ઉઠાવ્યો છે. હવે બોલીવુડના દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીએ પણ બોમ્બે હાઈ કોર્ટના દરવાજો ખખડાવ્યો છે. સુનીલ શેટ્ટીએ પણ બોમ્બે હાઈ કોર્ટમાં કેવી અરજી કરી છે, આવો જાણીએ.

મારા ફોટા અને વીડિયોનો ઉપયોગ થઈ રહ્યો છે: સુનીલ શેટ્ટી

અભિનેતા સુનીલ શેટ્ટીએ પોતાના વ્યક્તિત્વ અને છબીના અધિકારોના રક્ષણ માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે કોર્ટમાં અરજી દાખલ કરીને તેમની પરવાનગી વિના તેમના નામ, ફોટા, વીડિયો અને ડીપફેક સામગ્રીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. જેને લઈને આજે જસ્ટિસ આરિફ ડોક્ટરની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી હાથ ધરી હતી.

વરિષ્ઠ વકીલ બિરેન્દ્ર સરાફે સુનીલ શેટ્ટી તરફથી કોર્ટમાં દલીલ કરી હતી કે, ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબસાઇટ્સ દ્વારા અભિનેતાના ફોટા, વીડિયો અને ડીપફેક સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે.

આપણ વાંચો: શરદ પવારે કહ્યું મની લોન્ડરિંગ એકટનો થઇ રહ્યો છે દૂરઉપયોગ, મનમોહન સિંહને ચેતવ્યા હતા

બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવાયું હતું કે, અભિનેતા સુનીલ શેટ્ટીના ફોટાનો ઉપયોગ જાહેરાતો અને પ્રમોશનલ સામગ્રીમાં થઈ રહ્યો છે, જેના કારણે એવી છાપ ઊભી થાય છે કે શેટ્ટી આ બ્રાન્ડ્સ અથવા સેવાઓ સાથે સંકળાયેલા છે, જ્યારે વાસ્તવમાં તેમનો કોઈ સંબંધ નથી.

કેટલીક વેબસાઇટ્સે તેમના પૌત્રના ડીપફેક ફોટા પણ બનાવ્યા અને શેર કર્યા છે, જે સંપૂર્ણપણે નકલી છે. અરજીમાં સુનીલ શેટ્ટીએ દાવો કર્યો છે કે, આવી સામગ્રી મારી ઇમેજને નુકસાન પહોંચાડી રહી છે. સાથોસાથ મારી ગોપનીયતાનું ઉલ્લંઘન પણ થઈ રહ્યું છે.

અરજીમાં સુનીલ શેટ્ટીએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ વેબસાઇટને સંપૂર્ણપણે બ્લોક કરવાની માગણી નથી કરી રહ્યા, પરંતુ માત્ર તેમના વ્યક્તિત્વના અધિકારોનું ઉલ્લંઘન કરતી લિંક્સ અને પોસ્ટ્સને દૂર કરવાની માગ કરી રહ્યા છે.

આપણ વાંચો: ઉત્તરાખંડ સરકાર Chardham ના નામના દૂરઉપયોગ રોકવા લાવવા કાયદો લાવશે

સુનીલ શેટ્ટી સહિત અનેક કલાકારોની પણ કોર્ટમાં અરજી

જસ્ટિસ આરિફ ડોક્ટરની અધ્યક્ષતાવાળી બેન્ચે વકીલની દલીલો સાંભળ્યા બાદ પોતાનો આદેશ અનામત રાખ્યો છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવાનું વચન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનામાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, નાગાર્જુન, અભિષેક બચ્ચન અને કરણ જોહર જેવા અનેક જાણીતા કલાકારોએ તેમના વ્યક્તિત્વના અધિકારોના રક્ષણ માટે અરજીઓ દાખલ કરી છે. આમાંના ઘણા કેસોમાં, કોર્ટે સેલિબ્રિટીઓની તરફેણમાં ચુકાદા આપ્યા છે અને ગૂગલ તેમજ યુટ્યુબ જેવી કંપનીઓને પણ આદેશ જારી કર્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button