પ્રભાદેવી ખાતે સદી જૂના એલ્ફિન્સ્ટન રોડ બ્રિજને તોડવામાં વિલંબ, શું આવ્યું વિઘ્ન હવે?

મુંબઈઃ પ્રભાદેવી ખાતે 100 વર્ષ જૂના એલ્ફિન્સ્ટન રોડ બ્રિજને લાંબા સમયથી તોડી પાડવાના કામમાં ફરી એકવાર વિલંબ થયો છે. પશ્ચિમ રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (MRIDC), જેને મહારેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે હજુ સુધી સુધારેલ ડિમોલિશન પ્લાન પશ્ચિમ રેલવેને સુપરત કર્યો નથી. જોકે, મહારેલનો દાવો છે કે તેમણે પશ્ચિમ રેલ્વેને બધા જરૂરી દસ્તાવેજો સબમિટ કરી દીધા છે. ચોથી એપ્રિલના પશ્ચિમ રેલવેને સ્પષ્ટતા સાથેનો જવાબ મોકલવામાં આવ્યો હતો,’ એમ મહારેલના પ્રવક્તાએ જણાવ્યું હતું.
સિક્યોરિટી સંબંધિત બાબતમાં અનેક ખામીઓ
પશ્ચિમ રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો હતો કે મહારેલે માર્ચ 2025 માં પ્રારંભિક ડિમોલિશન યોજના સબમિટ કરી હતી. જોકે, પશ્ચિમ રેલ્વેએ તેમાં સલામતી પ્રોટોકોલ અને તકનીકી સ્પષ્ટીકરણોમાં ખામીઓનો ઉલ્લેખ કરીને આ દરખાસ્તને પરત કરી હતી. છ મહિના પછી પણ , અપડેટેડ અને વ્યાપક યોજના પેન્ડિંગ છે, જે ડિમોલિશન અને પુનર્નિર્માણ બંને માટે ડેડલાઈન અંગે ચિંતાઓ ઉભી કરે છે.
આપણ વાંચો: સદી જૂના એલ્ફિન્સ્ટન પુલનું તોડકામ શરૂઃ મહારેલે પુનર્નિર્માણ માટે 82 ટ્રાફિક બ્લોક માટે મંજૂરી માંગી
પશ્ચિમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભીડ ઓછી કરવા અને લાખો દૈનિક મુસાફરો માટે વધુ સલામતી સુનિશ્ચિત કરવા નવા પુલનું બાંધકામ શરૂ કરતા પહેલા જૂના માળખાને તોડી પાડવું જરૂરી છે.
ટેકનિકલ સ્પષ્ટીકરણોનો પણ સમાવેશ
સમીક્ષા દરમિયાન ઉઠાવવામાં આવેલી મુખ્ય ચિંતાઓમાં વિગતવાર ટેકનિકલ સ્પષ્ટીકરણો સામેલ હતા, જેમ કે ડિમોલિશન દરમિયાન ઉપયોગમાં લેવાતી ક્રેન અને મશીનરીના પ્રકારો, બાંધકામના કાટમાળના નિકાલ માટેની પદ્ધતિઓ અને ક્રોસ ગર્ડર્સ, સ્ટ્રિંગર એસેમ્બલી, ફૂટપાથ અને ડેક સ્લેબ જેવા મહત્વપૂર્ણ માળખાકીય તત્વોને તોડી પાડવા માટેની સ્પષ્ટ યોજના.
પૂરતા પ્રમાણમાં ધ્યાન આપે નહીં ત્યાં સુધી આગળ નહીં વધી શકાશે
વધુ મહત્ત્વની વાત એ છે કે, રેલવેએ કડક સલામતી ખાતરીઓ માંગી હતી. આમાં મુખ્ય ગર્ડર્સને હેન્ડલ કરતી વખતે સ્લિંગને બદલે સલામત લિફ્ટિંગ હુક્સનો ફરજિયાત ઉપયોગ, વ્યાપક લોડ-બેરિંગ ક્ષમતા અને અપડેટેડ માટીની સ્થિતિનો સમાવેશ થાય છે. અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પૂરતા પ્રમાણમાં ધ્યાન આપવામાં ન આવે ત્યાં સુધી ડિમોલિશનનું કામ સુરક્ષિત રીતે આગળ વધી શકશે નહીં.