મુંબઈ યુનિવર્સિટીના ‘છબરડા’થી પરેશાન થયા ડિગ્રીધારકો, જાણો શું કરી ભૂલ?
કોલેજના વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને પ્રિન્સિપાલે વ્યક્ત કરી ચિંતા

મુંબઈઃ આર્થિક રાજધાની મુંબઈની જાણીતી યુનિવર્સિટી તાજેતરમાં કરેલા મોટા છબરડાને કારણે લોકો તેના પર જોરદાર ટીકા વરસાવી રહ્યા છે. મુંબઈ યુનિવર્સિટીએ મહાનગરના નામનો સ્પેલિંગ (જોડણી) ખોટો લખીને ‘મુમાબાઇ’ નામથી ગ્રેજ્યુએશન સટિફિકેટો જારી કર્યા છે. આ ભૂલને કારણે મુંબઈ યુનિવર્સિટી શરમજનક સ્થિતિમાં મુકાઇ છે.
સૌથી ચોંકાવનારી વાત એ હતી કે મુંબઈ યુનિવર્સિટીએ પોતાના નામમાં જ ગડબડ કરી હતી. યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં મુંબઈની જગ્યાએ મુમાબાઇ લખવાને કારણે હોબાળો મચી જવા પામ્યો છે. ૨૦૨૩-૨૪માં કુલ ૧.૬૪ લાખ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા હતા. તેમ છતાં હજી સ્પષ્ટ થયું નથી કે કેટલા વિદ્યાર્થીઓને મુમાબાઇ નામ લખેલા સર્ટિફિકેટ મળ્યા છે.
આપણ વાંચો: KIIT યુનિવર્સિટીમાં નેપાળી વિદ્યાર્થીની આત્મહત્યા; નેપાળ સરકારે ભારતને આપી ચેતવણી
પ્રીન્ટિંગની ભૂલને કારણે અમુક સર્ટિફિકેટ પર આ રીતે ખોટું છપાયું હતું. અમે તે ભૂલ સુધારી લીધી છે, એમ મુંબઈ યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું હતું. 2023-24 બેચના ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપ્યા પછી હોબાળો થયો છે. મુંબઈ યુનિવર્સિટી દ્વારા મુંબઈના ખોટા સ્પેલિંગવાળી ડિગ્રી સાત જાન્યુઆરીના કાર્યક્રમમાં આપવામાં આવી હતી, ત્યાર બાદ અનેક કોલેજ અને વિદ્યાર્થીઓએ ડિગ્રી મુંબઈ યુનિવર્સિટીને પાછી મોકલી હતી.
નવા સર્ટિફિકેટ કોઇ પણ વધારાનો ચાર્જ લીધા વિના ટૂંક સમયમાં પૂરા પાડવામાં આવશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. મળતી માહિતી અનુસાર મુંબઈ યુનિવર્સિટીના સર્ટિફિકેટ છાપવાનું કામ હૈદરાબાદની કંપનીને મળ્યું હતું. પ્રિન્ટિંગની ભૂલને કારણે આ ભૂલ થઈ હોવાનું જણાવ્યું હતું. એક કોલેજના પ્રિન્સિપાલે કહ્યું હતું કે પોતાના નામમાં જ ભૂલ કરવાની બાબત શરમજનક છે, જ્યારે અન્ય એક પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જોખમી ગણાવ્યું હતું. સ્પેલિંગમાં ભૂલને કારણે લોકોને આ સર્ટિફિકેટ ખોટા લાગતા હોવાનું પણ જણાવ્યું હતું.