થાણેમાં બબાલઃ પાલિકાના ‘અતિક્રમણ વિભાગ’ને કાર્યવાહી કર્યા વિના પાછું ફરવું પડ્યું, જાણો કારણ?

મુંબઈઃ પાલિકાનો અતિક્રમણ વિભાગ 15 દિવસ પહેલાં થાણેમાં કાર્યવાહી કરવામાં અસફળ રહ્યા બાદ દીવામાં પણ સ્થાનિકોએ કરેલા વિરોધ બાદ વિભાગે સ્થાનિક રહેવાસીઓના રોષનો ભોગ બનવું પડ્યું હતું. મહિલાઓ હાથમાં પેટ્રોલ ભરેલી બોટલો લઇને રસ્તા પર ઊતરી આવી હતી, જેને કારણે સુરક્ષાના દૃષ્ટિકોણથી વિભાગે કોઇ પણ કાર્યવાહી કર્યા વિના પાછું ફરવું પડ્યું હતું.
Also read : રાજ ઠાકરે-ઉદ્ધવ ઠાકરેની મુલાકાત: રાજકીય અટકળો તેજ…
દીવામાં 54 ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવાના હાઈ કોર્ટે આપેલા આદેશ બાદ પાલિકાની એક ટીમ દીવામાં કાર્યવાહી કરવા માટે પહોંચી હતી. રહેવાસીઓએ તેનો સખત વિરોધ કર્યો હતો. દીવામાં વિવિધ સ્થળોએ આત્મદહનના બોર્ડ લગાવવામાં આવ્યાં હતાં અને ટીમ જેવી કાર્યવાહી કરવા પહોંચી કે મહિલાઓ પેટ્રોલ ભરેલી બોટલો લઇને રસ્તા પર ઊતરી હતી. આને કારણે વાતાવરણ તણાવભર્યું ઊભું થયું હતું.
રહેવાસીઓએ ચેતવણી આપી હતી કે જો ઇમારતો સામે કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ આત્મહત્યા કરશે, ત્યારે મ્યુનિસિપલ અતિક્રમણ વિભાગ અને પોલીસ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયાં હતાં. મહિલાઓએ અહીં મુખ્ય રસ્તો બ્લોક કર્યો હતો. રહેવાસીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમના બાળકોની પરીક્ષાઓ ચાલુ હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરી રહ્યું છે.
રહેવાસીઓ આરોપ લગાવી રહ્યા હતા કે પાલિકાએ અમને ઓર્ડર અંગે કોઈ માહિતી આપી નથી. રહેવાસીઓના હાથમાં પેટ્રોલ ભરેલી બોટલો હતી. જેના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે. પાલિકાની ટીમ જેસીબી અને હથોડા સાથે પહોંચ્યા પછી રહેવાસીઓએ તેમનો રસ્તો રોકી દીધો હતો. દીવા શહેર વિસ્તારમાં વધારાની પોલીસ તહેનાત કરવામાં આવી છે. સોમવારે દીવામાં મહિલાઓ અતિક્રમણ વિભાગ સામે હાથમાં પેટ્રોલ ભરેલી બોટલો સાથે બહાર આવી હતી અને તેઓએ મારવા અથવા મરોના વલણ સાથે, અતિક્રમણ વિભાગને ખાલી હાથે પાછા મોકલી દીધા હતા.
શું કહે છે નાગરિકો
શું ઇમારતો બનાવવામાં આવી રહી હતી ત્યારે વહીવટીતંત્ર ઊંઘતું હતું? આ પ્રશ્ન નાગરિકો દ્વારા પૂછવામાં આવી રહ્યો હતો. જ્યારે ભૂ-માફિયાઓએ ઇમારતો બનાવવા માટે પાલિકાને લાખો રૂપિયા આપ્યા, ત્યારે પાલિકાના અધિકારીઓએ રક્ષણ પૂરું પાડ્યું. હવે અમારા આખા જીવનની બચત ચૂકવીને અમે ઘર ખરીદ્યું તેને ૧૮ વર્ષ થઈ ગયાં છે અને હવે આ ઇમારતો અનધિકૃત બની ગઈ છે. મહિલાઓએ પણ આવા આરોપો લગાવ્યા હતા.
Also read : બોગસ દસ્તાવેજો પર મોંઘી કારો ખરીદીને વિવિધ રાજ્યોમાં વેચનારી ટોળકી પકડાઈ
કેસ શું છે?
૨૦૧૭થી ૨૦૨૧ દરમિયાન દીવા વિસ્તારમાં બાંધવામાં આવેલી ઇમારતો સામે એક નાગરિકે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર તાજેતરમાં સુનાવણી યોજાઈ હતી. કોર્ટે મ્યુનિસિપલ વહીવટીતંત્રને 2017થી 2021 વચ્ચે બાંધવામાં આવેલી 54 ગેરકાયદેસર ઇમારતોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આમાંથી બે ઇમારત માલિકોએ કાર્યવાહી રોકવા માટે કોર્ટનો આદેશ મેળવ્યો છે, અને બાકીની 52 ઇમારતો સામે કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાએ આ ઇમારતોના રહેવાસીઓને નોટિસ ફટકારી છે.