‘ડીપ ક્લીનિંગ’ ઝુંબેશ ફરી સક્રિય, ૨૩૯ ટન કચરો, ૩૩૬ કિલોમીટરના રસ્તા સાફ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીને પગલે લાંબા સમય સુધી મોકુફ રહેલી ‘ડીપ ક્લીનિંગ’ ઝુંબેશને ફરી સક્રિય કરવામાં આવી છે, જે હેઠળ શનિવારે મુંબઈમાં ૨૩૯ ટન કચરો સાફ કરવામાં આવ્યો હતો.
લોકસભાની ચૂંટણી માટે મુંબઈમાં ૨૦ મે, ૨૦૨૪ના મતદાન પૂરું થઈ ગયું અને હવે વિધાનસભા સહિત મુંબઈ મહાગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી પક્ષની સાથે જ મુખ્ય પ્રધાન ફરી એક વખત એકશન મોડમાં આવી ગયા છે. મુંબઈમાં ફરી એક વખત ‘ડીપ ક્લીનિંગ’ ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી. શનિવારે આ ઝુંબેશ હેઠળ ૨૩૯ ટન કચરો સાફ કર્યો હતો.
‘સ્વચ્છ-સુંદર મુંબઈ’ માટે પાલિકાએ ચાલુ કરેલી ‘ડીપ ક્લીનિંગ’ ઝુંબેશ હેઠળ શનિવારે એક જ દિવસમાં લગભગ ૧૩૦ મેટ્રિક ટન કાટમાળ, ૩૦ મેટ્રિક ટન મોટી નકામી વસ્તુઓ અને ૭૯ ટન કચરાને ભેગો કરવામાં આવ્યો હતો. એ સાથે જ લગભગ ૩૩૬ કિલોમીટર રસ્તાને પણ સાફ કરવામાં આવ્યા હતા. આ કામ કરવા માટે સવારથી પાલિકાએ લગભગ ૧,૫૪૩ કર્મચારીઓ અને અધિકારીઓને કામે લગાવ્યા હતા.
આ પણ વાંચો: મુંંબઈ મહાનગરપાલિકાનું ૧૦.૫૦ ટકા વધારા સાથેનું ૫૯,૯૫૪ કરોડ રૂપિયાનું પુરાંતવાળું બજેટ
મુંબઈમાં છેલ્લા ૨૭ અઠવાડિયાથી ‘ડીપ ક્લીનિંગ’ ઝુંબેશ ચાલી રહી છે. શનિવારે આ ઝુંબેશમાં જેસીબી ડંપર, કૉમ્પેક્ટર, કચરો ભેગો કરવાના વાહનો, પાણીના ટેન્કર જેવા વાહનોની મદદ લેવામાં આવી હતી.