મહિલા દર્દીનું મૃત્યુ: દીનાનાથ મંગેશકર હૉસ્પિટલના ટ્રસ્ટીઓ વિરુદ્ધ કેસ દાખલ

પુણે: એપ્રિલ, 2024માં તનીષા ભિસે નામની મહિલા દર્દીના મૃત્યુ સંબંધમાં દીનાનાથ મંગેશકર હૉસ્પિટલના ટ્રસ્ટીઓ વિરુદ્ધ જોઇન્ટ ચેરિટી કમિશનર ઓફિસ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ભાજપના વિધાનસભ્ય અમિત ગોરખેના પર્સનલ સેક્રેટરીની પત્ની તનીષા ભિસે ગર્ભવતી હતી. તનીષાને 10 લાખ રૂપિયા ડિપોઝિટ ન જમા કરાવવા બદલ દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં દાખલ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. દરમિયાન અન્ય હૉસ્પિટલમાં જોડિયા બાળકીઓને જન્મ આપ્યા બાદ તનીષાનું મૃત્યુ થયું હતું.
આપણ વાચો: દીનાનાથ મંગેશકર હોૅસ્પિટલ સંબંધી વિવાદ: બેદરકારી બદલ ડૉક્ટર વિરુદ્ધ ગુનો…
તનીષાના મૃત્યુથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેને કારણે સાસૂન જનરલ હૉસ્પિટલ દ્વારા રચવામાં આવેલી સમિતિએ મંગેશકર હૉસ્પિટલના ડૉ. સુશ્રૂત ઘૈસાસને જવાબદાર ઠેરવ્યા બાદ પુણે પોલીસે તેમની સામે કેસ દાખલ કરવો પડ્યો હતો.
આ કેસની તપાસ કરી રહેલી જોઇન્ટ ચેરિટી કમિશરની ઓફિસે દર્દીને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં ભૂલો માટે હૉસ્પિટલને જવાબદાર ઠેરવી હોવાનું કહેવાય છે.
ચેરિટી કમિશનર ઓફિસના અધિકારીએ પુષ્ટિ આપી હતી કે તેમણે હૉસ્પિટલના ટ્રસ્ટીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
દરમિયાન મંગેશકર હૉસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે શનિવાર સુધી તેમને ચેરિટી કમિશનર તરફથી કોઇ રિપોર્ટ મળ્યો નથી.
મંગેશકર હૉસ્પિટલમાં તનીષા પર ચાર કલાક સુધી દેખરેખ રાખવામાં આવી હતી અને ત્યાર બાદ તેના પરિવારે ડૉક્ટરોને જાણ કર્યા વિના તેને બીજી હૉસ્પિટલમાં લઇ જવાનું નક્કી કર્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું.
પરિવાર તેમના ખાનગી વાહનમાં હૉસ્પિટલમાંથી જતો રહ્યો. મંગેશકર હૉસ્પિટલના એક ડૉક્ટર તેમની પાછળ દોડ્યા, પણ તેઓ રોકાયા નહીં, એવો દાવો મંગેશકર હૉસ્પિટલે પોતાના નિવેદનમાં કર્યો હતો. (પીટીઆઇ)



