મુંબઈ એરપોર્ટ ફનલ ઝોનના વિસ્તારોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રભાવિત જાહેર કરો: સાંસદ ગાયકવાડ
મુંબઈ: મુંબઈ કોંગ્રેસના પ્રમુખ વર્ષા ગાયકવાડે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મુંબઈ એરપોર્ટ રનવેના ફનલ ઝોનથી પ્રભાવિત વિસ્તારને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અસરગ્રસ્ત તરીકે જાહેર કરવા જણાવ્યું છે.
નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન કે. આર. નાયડુને લખેલા પત્રમાં મુંબઈ ઉત્તર મધ્યના સાંસદ ગાયકવાડે જણાવ્યું હતું કે મુંબઈ એરપોર્ટના રનવેના ફનલ ઝોનમાં આવેલી 6000 થી વધુ ઈમારતોનો પુન:વિકાસ ઉડ્ડયન મંત્રાલય દ્વારા લાદવામાં આવેલા ઊંચાઈના નિયંત્રણોને કારણે હજુ પણ અટકેલો છે.
ફનલ ઝોન એવા વિસ્તારોને આવરી લે છે જે લેન્ડિંગ અને ટેક ઓફ કરતી વખતે ફ્લાઈટ્સ દ્વારા અનુસરવામાં આવતા ચોક્કસ પાથ સાથે રનવે સાથે સંકળાતો હોય છે.
આ પણ વાંચો: નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું ક્રાંતિકારી પગલું, હેલિકોપ્ટર દ્વારા ઈમરજન્સી તબીબી સેવાઓ ભારતમાં શરૂ
ફનલ ઝોનના નિયમોને કારણે અનેક પુન:વિકાસ પ્રોજેક્ટ્સની સધ્ધરતા પર ગંભીર અસર પડી છે, જેના કારણે વિલેપાર્લે, સાંતાક્રુઝ, કુર્લા અને ઘાટકોપર (વેસ્ટ)માં રહેતા છ થી આઠ લાખ મુંબઈગરા એક અનિશ્ચિત પરિસ્થિતિમાં મુકાયા છે. અટકેલા વિકાસ પ્રોજેક્ટોને કારણે રહેવાસીઓને આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થયું તે પહેલાંથી આમાંની સંખ્યાબંધ ઈમારતો અસ્તિત્વમાં છે. આ ઈમારતોને પુન:વિકાસની તાત્કાલિક જરૂર છે. આ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીના પુન:વિકાસને પણ અસર થઈ છે. અહીં એરપોર્ટ કામગીરીની સલામતી સાથે કોઈ બાંધછોડ થઈ શકે નહીં. પરંતુ સરકારે ફનલ ઝોનના પ્રતિબંધોથી પ્રભાવિત પરિવારોના મુદ્દા પર વિચાર કરવો જોઈએ એમ તેમણે પોતાના પત્રમાં કહ્યું હતું.
આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસરગ્રસ્ત વિસ્તાર માટે વિશેષ પુન:વિકાસ નીતિ ઘડવામાં વિલંબ થઈ રહ્યો છે અને નાગરી ઉડ્ડયન મંત્રાલય અને મહારાષ્ટ્ર સરકારે આવી નીતિ ઘડવા માટે સાથે મળીને ઝડપથી કામ કરવું જોઈએ.(પીટીઆઈ)