આમચી મુંબઈટોપ ન્યૂઝ

યુ-ટર્નઃ મહારાષ્ટ્રમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ‘ફરજિયાત’ કરવાના નિર્ણય પર સ્ટે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વિપક્ષોના વિરોધ વચ્ચે રાજ્યમાં મરાઠી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં પહેલા ધોરણથી પાંચમા ધોરણ સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત કરવાના નિર્ણય પર મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્ટે મૂકવામાં આવે છે, એમ રાજ્યના સ્કૂલ શિક્ષણ ખાતાના પ્રધાન દાદા ભૂસેએ જણાવ્યું હતું.

આ અંગે નવેસરથી સરકારી ઠરાવ (જીઆર) રજૂ કરવામાં આવશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. ગયા અઠવાડિયે સરકારે રાજ્યની મરાઠી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં હિન્દી ભાષાને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.

આ નિર્ણયનો વિપક્ષો સહિત વિવિધ સંસ્થા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારની ભાષા પરામર્શ સમિતિએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ નિર્ણય પાછો ખેંચવાનો અનુરોધ કર્યાના થોડા દિવસમાં ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો છે

આપણ વાંચો: ભાષા પેનલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને પહેલાથી પાંચમા ધોરણ માટે હિન્દી ફરજિયાત બનાવવાના નિર્ણયને રદ કરવાની વિનંતી કરી…

કેન્દ્ર સરકાર દ્વારા હિન્દી ભાષાને થોપી નથી

મહારાષ્ટ્રમાં મરાઠી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં પહેલાથી પાંચમા ધોરણ સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત કરવાના રાજ્ય સરકારના નિર્ણયનો વિપક્ષો સહિત ઘણી જગ્યાએથી વિરોધ થઇ રહ્યો હતો ત્યારે આ નિર્ણય પર સ્ટે મૂકવામાં આવ્યો હોવાનું સ્કૂલ શિક્ષણ ખાતાના પ્રધાન દાદા ભૂસેએ જણાવ્યું હતું.

કોઇ પણ ભાષા રાજ્ય માટે ફરજિયાત કરી નથી

આ અંગેની જાહેરાત કરવા પહેલા દાદા ભૂસેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હિન્દી ભાષાને ફરજિયાત કરવા અંગે એમ કહેવાઇ રહ્યું છે કેન્દ્ર સરકાર તરફથી આ નિર્ણય જબરદસ્તીથી થોપવામાં આવી રહ્યો છે, પંરતુ કેન્દ્ર સરકારને આનાથી કંઇ લેવાદેવા નથી.

નેશનલ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦માં સ્પષ્ટ રીતે ભાષા અંગેનો પૅરાગ્રાફ છે. ત્રણ ભાષા શિખવવા બાબતેની ત્યાં ફોર્મ્યુલા આપેલી છે. કેન્દ્ર સરકાર તરફથી કોઇ પણ ભાષા રાજ્ય માટે ફરજિયાત કરવામાં આવી નથી.

આપણ વાંચો: મહારાષ્ટ્રે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી: હિન્દી ફરજિયાત ત્રીજી ભાષા

અનિવાર્ય શબ્દ પર સ્ટે મૂકવામાં આવ્યો

૨૦૨૦ના શૈક્ષણિક ધોરણો છે. તે પ્રમાણે નવમી સપ્ટેમ્બર, ૨૦૨૪ના ત્રણ ભાષામાંથી બે ભાષા આપણા દેશ સંબંધિત હોવી જોઇએ એવું કહેવામાં આવ્યું છે. રાજ્યની ભાષા પરામર્શ સમિતિની બેઠકમાં ત્રીજી ભાષા તરીકે હિન્દીનો સ્વીકાર કરવાનો નિર્ણય લેવાયો હતો.

પ્રશાસનના નિર્ણયમાં હિન્દી ભાષાનો ‘અનિવાર્ય’ તરીકે ઉલ્લેખ કરાતા મૂંઝવણ ઊભી થઇ છે તેથી આ અનિવાર્ય શબ્દ પર સ્ટે મૂકવામાં આવે છે અને આગળનો નિર્ણય ટૂંક સમયમાં જણાવવામાં આવશે, એમ સ્કૂલ શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું.

આપણ વાંચો: દેશમાં પહેલી અને વિશ્ર્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા- હિન્દી

મરાઠી ભાષા તો ફરજિયાત જ છે

મરાઠી અને અંગે્રજી માધ્યમની સ્કૂલોમાં મરાઠી વિષય ફરજિયાત જ છે, પણ અન્ય માધ્યમની સ્કૂલોમાં પણ મરાઠી ભાષા ફરજિયાત છે જ્યાં મરાઠી ભણાવનારા શિક્ષકે પણ મરાઠી ભાષાની ડિગ્રી મેળવેલી હોવી જોઇએ એ ફરજિયાત છે, એમ દાદા ભુસેએ જણાવ્યું હતું.

પહેલા જ વિચારવાનું હતું ને: રાજ ઠાકરે

રાજ્ય સરકાર દ્વારા અનિવાર્ય શબ્દ દૂર કરવાનો નિર્ણય લીધા બાદ મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું હતું કે સરકારે પહેલા જ વિચારીને નિર્ણય લીધો હોત તો આજે પીછેહઠ કરવાનો વારો જ આવ્યો ન હોત. તેમ છતાં આ નિર્ણય પાછો ખેંચ્યો માટે સરકારનો આભાર. મહારાષ્ટ્રમાં બીજી-ત્રીજી કોઇ ભાષા ચાલશે નહીં. મહારાષ્ટ્રમાં ફક્ત મરાઠી જ ચાલશે, એમ રાજ ઠાકરેએ કહ્યું હતું.

આપણ વાંચો: પહેલાથી પાંચમા ધોરણ માટે હિન્દી ફરજિયાત: મનસેની વિદ્યાર્થી પાંખનું વિરોધ પ્રદર્શન

૧૦,૫૦૦ શિક્ષકની ભરતી

સીબીએસઇની સારી બાબતોનો સમાવેશ આપણા અભ્યાસક્રમમાં કરવામાં આવશે. વ્યાપક સ્વરૂપમાં ઇતિહાસ-ભૂગોળ અભ્યાસક્રમમાં દેખાશે. આ સિવાય ૧૦,૫૦૦ શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. પવિત્ર પોર્ટલ પરથી આ ભરતી કરાશે. શિક્ષણ વિભાગના આઠ વિભાગ છે તે દરેક જગ્યાએ ગુરુકુળ સ્કૂલ શરૂ કરવામાં આવશે.

જે રમતગમતમાં નિપુર્ણ હોય તેઓને નિવાસી સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે. રાજ્યવ્યાપી જુદી જુદી પદ્ધતિની આનંદ ગુરુકૂળ સ્કૂલ શરૂ કરાશે જેમાં વિશેષ શિક્ષણ અપાશે.

શિક્ષકોનું અશૈક્ષણિક કામ ઓછું કરવામાં આવશે

રાજ્યના ૬૫ શિક્ષણ સંગઠનની બેઠક યોજવામાં આવી હતી જેમાં મોટી ચર્ચા થઇ હતી. શિક્ષકોનું અશૈક્ષણિક કામ કેવી રીતે ઓછું કરી શકાય એ માટે જીઆર કાઢીને શૈક્ષણિક અને અશૈક્ષણિક કામનું વર્ગીકરણ કરાશે અને તેમાંથી શિક્ષકોને અશૈક્ષણિક કામ ઓછું આપવામાં આવશે.

વિદ્યાર્થીઓની મેડિકલ તપાસણી સહિત આરોગ્ય પત્રિકા તૈયાર કરવામાં આવશે. વિદ્યાર્થી બીમાર હશે તો મોટી હોસ્પિટલમાં તેની નિ:શુલ્ક સારવાર કરાવવામાં આવશે, એમ સ્કૂલ શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું.

દરેક સ્કૂલોમાં ગવાશે ‘ગર્જા મહારાષ્ટ્ર માઝા…’ ગીત

સ્કૂલ શિક્ષણ વિભાગ તરફથી છેલ્લા કેટલાક મહિનાથી ૧૦૦ દિવસનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેના હેઠળ ‘ગર્જા મહારાષ્ટ્ર માઝા…’ ગીતને રાજ્યગીત જાહેર કરવામાં આવ્યું છે. દરેક માધ્યમોની સ્કૂલોમાં આ ગીત ગવાવું જોઇએ એવું આયોજન પણ કરાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button