આમચી મુંબઈમહારાષ્ટ્ર

એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય મારો હતો: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ચાર વર્ષમાં અનેક રાજકીય ગતિવિધિ જોવા મળી છે. પહેલાં સેના-ભાજપની યુતિ તૂટી ગઈ, ત્યારપછી મહાવિકાસ આઘાડીની સ્થાપના થઈ, ફડણવીસ-અજિત પવારનો શપથવિધિ, સરકારનું પતન, ઉદ્ધવ ઠાકરેની શપથવિધિ આ બધાની પછી ગયા વર્ષે શિવસેનામાં બળવો થયો અને મુખ્ય પ્રધાનપદે એકનાથ શિંદેને વિરાજમાન કરવામાં આવ્યા.

ભાજપે એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય લીધો અને તે નિર્ણય પરની ચર્ચા અને અટકળો હજી પણ ચાલી રહી છે. એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય મારો પોતાનો જ હતો એવો દાવો મંગળવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કર્યો હતો.

એક મરાઠી ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્યના રાજકારણમાં આરોપોનું સ્તર અત્યંત નિમ્ન સ્તરે ગયું છે. તેમણે સંજય રાઉતનું નામ લીધા વગર તેમની ટીકા કરી હતી.

આ પહેલાં એક વખત ઉદ્ધવ ઠાકરેએ પણ આવું જ નિવેદન કર્યું હતું કે રાજકીય આક્ષેપોનું સ્તર અત્યંત કથળી રહ્યું છે, તેના પર બોલતાં ફડણવીસે કહ્યું હતું કે આ એક ચેપી રોગ છે. એકને થાય એટલે તેનો ચેપ બીજાને લાગે છે. કોરોના જેવી જ આની તાસિર છે. મૂળ વિષાણુને જ્યાં સુધી આપણે ખતમ નહીં કરીએ ત્યાં સુધી તે અટકશે નહીં.

મૂળ વિષાણુ ક્યાં છે તેની જાણકારી બધા પાસે છે. રોજ સવારે આ વિષાણુ ફેલાવવાનું કામ માધ્યમો દ્વારા કરવામાં આવે છે. અમારું એન્ટિ-વાઈરસનું કામ ચાલી રહ્યું છે. આવો વાઈરસ લાંબો સમય સુધી ચાલી શકશે નહીં. હવે તો લોકો પણ કંટાળ્યા છે. એક દિવસ લોકો તેમને જોવાનું બંધ કરી દેશે અને માધ્યમો પણ તેમને દેખાડવાનું બંધ કરી દેશે. માધ્યમો દેખાડવાનું બંધ કરશે એટલે તેઓ બોલવાનું પણ બંધ કરી દેશે, એમ પણ ફડણવીસે કહ્યું હતું.

નાયબ મુખ્ય પ્રધાન બનાવીને પાર્ટી દ્વારા ફડણવીસનું અપમાન કરવામાં આવ્યું એવા આક્ષેપો પર બોલતાં તેમણે કહ્યું હતું કે આવા આક્ષેપો કરવામાં આવે ત્યારે મારું મનોરંજન થાય છે. આ પહેલાં પણ મેં અનેક વખત કહ્યું છે કે પહેલું એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય મારો પોતાનો હતો. પક્ષના વરિષ્ઠો દ્વારા મારા પર લાદવામાં આવેલો નિર્ણય નહોતો. હું મુખ્ય પ્રધાન બનવાનો નથી તે મને પહેલેથી ખબર હતી, પરંતુ હું નાયબ મુખ્ય પ્રધાન બનીશ એ મને છેલ્લા દિવસ સુધી ખબર નહોતી. મારા પક્ષે મને કહ્યું કે સરકાર ચલાવવાની છે એટલે તમે નાયબ મુખ્ય પ્રધાન બનો. તે મારું સન્માન જ હતું, એમ પણ તેમણે કહ્યું હતું.

મારો પક્ષ કાલ સવારે મને કહેશે કે હવે તમારું કામ પૂર્ણ થયું, હવે ઘરે બેસો તો હું ઘરે બેસી જઈશ. કેમ કે હું જે કાંઈ છું તે મારા પક્ષને કારણે છું. મારા નામની પાછળથી ભાજપ કાઢી નાખવામાં આવે તો હું શુન્ય છું. તેથી પક્ષ જે કહેશે તે હું કરીશ, એમ ફડણવીસે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button