ડેક્કન ક્વીન એક્સપ્રેસમાં પાસધારકોના કોચમાં વિનાપાસ ‘પ્રવાસી’ઓએ કર્યો પ્રવાસ, પ્રવાસીઓ રોષે ભરાયા…
મુંબઈઃ મુંબઈ-પુણે ડેક્કન ક્વીન એક્સપ્રેસમાં ઉંદરનો ઉપદ્રવ વધી ગયો હોવાની ફરિયાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરવામાં આવેલી પોસ્ટને કારણે પ્રકાશમાં આવી હતી.
ડેક્કન ક્વીનના પાસધારક પ્રવાસી એડ. યોગેશ પાંડે રોજની જેમ જ સીએસએમટીથી ડેક્કન ક્વીન એક્સપ્રેસમાં ચઢ્યા હતા. એક્સપ્રેસ ટ્રેન કર્જત રેલવે સ્ટેશન ક્રોસ કર્યું ત્યાર બાદ અચાનક જ પાસધારકો માટે રિઝર્વ સી-2ના કોચમાં લગાવવામાં આવેલી ટ્યુબલાઈટના કવરમાં બે ઉંદર ફરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન જ ગાડીમાં વંદાનો ઉપદ્રવ પણ વધી ગયો હોવાની ફરિયાદ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી હતી. વંદા અને ઉંદરના ઉપદ્રવને કારણે પ્રવાસીઓએ રેલવે પ્રશાસન સામે રોષની લાગણી વ્યક્ત કર્યો હતો.
પાંડેએ ટ્યૂબલાઈટના કવરમાં દોડાદોડી કરી રહેલાં ઉંદરોનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રેલવે પ્રશાસન પાસે જવાબ માંગ્યો હતો. આ વીડિયોની નોંધ લઈને મુંબઈના વિભાગીય રેલવે વ્યવસ્થાપક અને પુણે વિભાગીય રેલવે વ્યવસ્થાપકે ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી પડેલી અસુવિધા બાબતે દિલગિરી વ્યક્ત કરીને મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.
ડેક્કન ક્વીન જેવી પ્રતિષ્ઠિત ગાડીની સ્વચ્છતાની સ્થિતી ખૂબ જ ચિંતાજનક છે અને આ બધામાં રાહત આપે એવી એક જ વાત છે. આ વાત એટલે રેલવે પ્રશાસને પોતાની ભૂલ સ્વીકારીને મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. ડેક્કન ક્વીનમાં દરરોજ પાસધારક પ્રવાસીઓ મુંબઈ-પુણે અને પુણે- મુંબઈ વચ્ચે પ્રવાસ કરે છે. જો ફરી વખત ટ્રેનમાં અસ્વચ્છતા જોવા મળશે તો પત્ર લખીને રેલવેને જવાબ પૂછવામાં આવશે, એવું પાંડેએ વધુમાં જણાવ્યું હતું.
ડેક્કન ક્વીન એક્સપ્રેસના પાસધારકો માટેના અનામત રાખવામાં આવેલા ડબામાં વિનાપાસ પ્રવાસીઓનો પ્રવેશ આપવામાં આવતો નથી. પરંતુ કોચમાં ઉંદર અને વાંદાના ઉપદ્રવને જોતાં પ્રવાસીઓ વિના પાસના પ્રવાસીઓનો પાસધારકોના ડબા પર કબજો એવી ટિપ્પણી કરી રહ્યા છે.