પુણેમાં 26 વર્ષની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું મોત, જાણો કારણ?

પુણેઃ મલ્ટિનેશનલ કંપનીઓમાં કર્મચારીઓના કામકાજનું ભારણ વધતું જાય છે, પરંતુ મને-કમને કંઈ કહી શકતા નથી. અહીંની ખાનગી કંપનીમાં કામ કરતી 26 વર્ષની યુવતીનું કથિત રીતે વધુ પડતા કામકાજના બોજને કારણે મોત થયું હતું. બહુરાષ્ટ્રીય કન્સલ્ટિંગ ફર્મ અર્નેસ્ટ એન્ડ યંગની પુણે ઑફિસમાં કામ કરતી ૨૬ વર્ષીય અન્ના સેબાસ્ટિયન પેરાઇલનું મૃત્યુ કથિત રીતે “વર્કલોડ”ના કારણે થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
મૃતક કર્મચારીની માતાનો આરોપ છે કે કંપનીમાં જોડાયાના થોડા મહિનામાં જ તેની ભૂખ અને ઊંઘ ઓછી થવા લાગી, જેનું પરિણામ આ આવ્યું. તેની માતા, અનિતા ઓગસ્ટિને કંપનીને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે આ તેમની પુત્રીની પ્રથમ નોકરી હતી અને તે કંપનીમાં જોડાવાથી રોમાંચિત હતી. જોકે, માત્ર ચાર મહિનાની અંદર, તે “વધુ પડતા કામના ભારણ”નો શિકાર બની હતી. કંપનીમાંથી કોઈએ તેના અંતિમસંસ્કારમાં હાજરી આપી નહોતી, એમ અન્નાની માતાએ તેના પત્રમાં જણાવ્યું હતું.
અન્ના કંપનીમાં એક એવી ટીમમાં હતી જ્યાં ઘણા કર્મચારીઓએ વધુ પડતા વર્કલોડને કારણે રાજીનામું આપ્યું હતું. “ટીમ મેનેજરે તેને કહ્યું હતું કે ‘અન્ના, તારે આપણી ટીમ વિશે દરેકના અભિપ્રાય બદલવાની જરૂર છે.’ મારી દીકરીને ખ્યાલ નહોતો કે તેના માટે તેણે પોતાના જીવનનો ભોગ આપવો પડશે, એમ તેની માતાએ જણાવ્યું હતું.
દરમિયાન આ કન્સલ્ટિંગ ફર્મે તેના એક કર્મચારીના મૃત્યુની ઘટના સામે આવ્યા બાદ એક નિવેદન બહાર પાડ્યું હતું. અન્ના પુણેમાં તેમની ઓડિટ ટીમનો ભાગ હતી. આ દુ:ખદ બનાવને કારણે તેની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાયું છે. જોકે, પરિવારને થયેલ નુકસાનની ભરપાઈ કરવી શક્ય નથી, પરંતુ હંમેશની જેમ, અમે આ મુશ્કેલ સમયમાં તેમને શક્ય તેટલી બધી મદદ કરી રહ્યા છીએ અને કરતા રહીશું. અમે અમારા કર્મચારીઓની સુખાકારીને પ્રાધાન્ય આપીએ છીએ. ભારતમાં અમારી સભ્ય કંપનીઓના તમામ ૧૦,૦૦૦ કર્મચારીઓને તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડવા માટે કામ કરવાનું ચાલુ રાખીએ છીએ.