બુલઢાણામાં ટ્રેક્ટર ટ્રૉલી ઊંધી વળતાં બે મજૂરનાં મોત: ત્રણ ગંભીર જખમી…
બુલઢાણા: કૉન્ક્રીટના થાંભલા ભરેલી ટ્રેક્ટર ટ્રૉલી ઊંધી વળી જતાં બે મજૂરનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ત્રણ જણ ગંભીર રીતે ઘવાયા હોવાની ઘટના બુલઢાણા જિલ્લામાં બની હતી.
આ પણ વાંચો : 10 કરોડનું ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ પેટમાં છુપાવીને લાવનાર વિદેશી મહિલા પકડાઇ
પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની બપોરે બોરખેડી-વડગાંવ રોડ પર બની હતી. મૃતકોની ઓળખ મંગેશ જ્ઞાનદેવ સાતવ (29) અને રામદાસ પુંજાજી બેલોકર (42) તરીકે થઈ હતી.
અકસ્માતમાં ઘવાયેલા ત્રણ જણને સારવાર માટે બુલઢાણાની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાંથી એક 22 વર્ષનો યુવાન આશાસ્પદ અગ્નિવીર છે. તેણે હાલમાં જ અગ્નિવીર ભરતી માટેની પરીક્ષા પાસ કરી હોવાનું તેના સગાએ જણાવ્યું હતું.
ઈલેક્ટ્રિક કૅબલ્સ લગાવવા માટે ઉપયોગમાં લેવાતા કૉન્ક્રીટના થાંભલા ભરેલી ટ્રેક્ટર ટ્રૉલીમાં પાંચ જણ બેઠા હતા. પુન્હાઈ ગામ નજીકના એક વળાંક પર ટ્રેક્ટર ટ્રૉલી એકાએક ઊંધી વળી ગઈ હતી, જેને કારણે થાંભલા પાંચેય જણ પર પડ્યા હતા, એમ બોરખેડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
બનાવની જાણ થતાં બોરખેડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગંભીર હાલતમાં પાંચેયને મોટાલા ગ્રામીણ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન સાતવ અને બેલોકરનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)