આંગણવાડી સ્કૂલોમાં બાળકોની જાન જોખમમાં, મિડ-ડે મીલના પેકેટમાં મળ્યો મૃત સાપ
પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. સાંગલી જિલ્લામાં આવેલી આંગણવાડી નર્સરી સ્કૂલમાં બાળકો માટેના મિડ-ડે મીલના પેકેટમાંથી એક નાનો મૃત સાપ મળી આવ્યો હતો. રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘના ઉપાધ્યક્ષ આનંદી ભોસલેએ જણાવ્યું હતું કે કથિત ઘટનાની જાણ પલુસમાં એક બાળકના માતા-પિતા દ્વારા સોમવારે (જુલાઈ 1) કરવામાં આવી હતી. જોકે, તેની પુષ્ટિ કરવા માટે જિલ્લા અધિકારીઓનો સંપર્ક કરી શકાયો નથી.
6 મહિનાથી ત્રણ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીઓમાં ફૂડ પેકેટ, દાળ ખીચડીનું પ્રિમિક્સ આપવામાં આવે છે. પલુસમાં સોમવારે આંગણવાડી કાર્યકરો દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને આપવામાં આવેલા પેકેટમાં એક નાનો મૃત સાપ મળ્યો હતો,” એવો એક બાળકના માતા-પિતાએ બુધવારે દાવો કર્યો હતો.
આંગણવાડી સેવિકાએ આ ઘટનાની જાણ અધિકારીઓને કરી હતી. ત્યાર બાદ સાંગલી જિલ્લા પરિષદના નાયબ મુખ્ય કાર્યકારી અધિકારી સંદિપ યાદવ અને ફૂડ સેફ્ટી કમિટીના અન્ય અધિકારીઓએ આંગણવાડીની મુલાકાત લીધી હતી અને પેકેટને લેબ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યું હતું, એમ જાણવા મળ્યું છે. વારંવાર પ્રયત્નો કરવા છતાં આંગણવાડી વિભાગના ઈન્ચાર્જ યાદવનો સંપર્ક થઈ શક્યો ન હતો. આ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: રાજકોટમાં સતત બીજા દિવસે આંગણવાડી કર્મચારીઓ દ્વારા ધરણાં અને વિરોધ..
સાંગલી જિલ્લા પરિષદના નાયબ મુખ્ય કાર્યકારી અધિકારી સંદિપ યાદવે જણાવ્યું હતું કે , “કોન્ટ્રાક્ટર દ્વારા પેકેટો સીધા આંગણવાડીઓમાં વહેંચવામાં આવે છે અને ત્યાંથી, તે બે થી ત્રણ દિવસમાં લાભાર્થીઓને આપવામાં આવે છે… આ કિસ્સામાં, ન તો આંગણવાડી સેવિકા કે અન્ય કોઈ જિલ્લા વહીવટી અધિકારીએ આ પદાર્થ જોયો હતો.
માત્ર માતાપિતાએ જ તેને જોયો હોવાનો દાવો કર્યો હતો અને તેનો ફોટો લીધો હતો. પેકેટમાં મળેલી કથિત મૃત વસ્તુને માતા-પિતાએ કાઢી નાખી હતી. તેથી આ ફોટા અને પેકેટના ખાધ્ પદાર્થના નમૂના પરથી આ તપાસ આગળ વધારવામાં આવશે.
દરમિયાન કૉંગ્રેસના નેતા વિશ્વજીત કદમે મધ્યાહન ભોજન યોજનામાં સુરક્ષા પ્રોટોકોલ અંગે ચિંતા વ્યક્ત કરતાં વિધાનસભા સત્ર દરમિયાન કડક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.