આમચી મુંબઈ

મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ કચરા મુક્ત કરવાની મુદત હવે ફેબ્રુઆરી ૨૦૨૬

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ પરના કચરા પર પ્રક્રિયા કરવાની સમયમર્યાદા વધારીને હવે ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી કરી નાખી છે. સતત ત્રીજી વખત આ મુદત વધારીને આપવામાં આવી છે. લગભગ ૭૮ લાખ ટન કચરો જમા થયેલા કચરાનો નિકાલ કરવાનો પ્રોજેક્ટ સત્તાવાર રીતે ૨૦૨૧માં શરૂ થયો હોવા છતાં કોવિડ-૧૯ને કારણે તેમ જ અન્ય મંજૂરીઓ મેળવવામાં વિલંબ થવાને કારણે પ્રોજેક્ટમાં અનેક અવરોધ આવ્યા હતા અને તેને કારણે અનેક પ્રયાસ બાદ પણ હજી ૩૨ ટકા કચરા પર પ્રક્રિયા કરવાનું બાકી છે.

મુંબઈમાં દરરોજ લગભગ ૭,૦૦૦ મેટ્રિક ટન કચરો નીકળે છે, જેમાંથી ૯૦ ટકા કચરા પર કાંજુરમાર્ગના પ્રોસેસિંગ પ્લાન્ટમાં પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે. તો ૧૦ ટકા કચરો હજી પણ દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવે છે.

લગભગ ૨૪ હેકટરમાં ફેલાયેલું અને ૧૯૬૮થી કાર્યરત મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ એક સમયે શહેરનું સૌથી મોટું ડમ્પિંગ ગ્રાઉન્ડ હતું, તેને સત્તાવાર રીતે ૨૦૧૮માં બંધ કરવામાં આવ્યું હતું. તે વર્ષે ઓક્ટોબરમાં પાલિકાએ બાયો-માઈનિંગ દ્વારા સાઈટને ફરીથી મેળવવા માટે ૭૩૧ કરોડ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ આપ્યો હતો, જે કચરા પર પ્રક્રિયા કરવા અને જમીન ફરી મેળવવા માટેની અનુકુળ પદ્ધતિ છે. જોકે કોવિડ-૧૯ને કારણે લાગુ પડેલા લોકડાઉન સહિત અને જરૂરી મંજૂરીઓ મેળવવામાં અનેક પડકારોને સામનો કરવો પડયો હતો અને તેને કારણે ગ્રાઉન્ડ લેવલ પર કામ ૨૦૨૧થી શરૂ થયું હતું.

છેલ્લાં પાંચ વર્ષમાં મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડમાંથી ૭૮ લાખ ટન જમા કચરો છે, તેમાંથી લગભગ ૫૬ લાખ ટન કચરાને સાફ કરવામાં આવ્યો છે. બાકીના ૨૧ લાખ ટન કચરા પર બાયો-માઈગિ થવાની ધારણા છે. આગામી વર્ષમાં આ સાઈટ સંપૂર્ણપણે સાફ થઈ જશે એવું માનવામાં આવે છે. જોકે કૉન્ટ્રેક્ટર જૂન, ૨૦૨૫ની સુધીમાં કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયો હતો અને ત્યારબાદ ચોમાસા દરમ્યાન કામ બંધ કરવું પડયું હતું. તેથી કામ લંબાઈ ગયું અને હવે કૉન્ટ્રેક્ટરને વધુ એક વર્ષનો સમય લંબાવી આપવાની માગણી કરી હતી પણ પાલિકાએ ફક્ત ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીની મુદત આપી છે. આ સમયગાળામાં કૉન્ટ્રેક્ટરને કચરા પર પ્રક્રિયા કરવાની રહેશે. અત્યાર સુધી તેની પાસેથી આઠ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ માટે સાત કરોડના ખર્ચે ભાડેથી લેવાશે પોકલેન મશીન

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button