ટ્રાફિકનું નિયમન કરતા ડેપ્યુટી કમિશનરને રિક્ષાએ અડફેટે લીધા: ડ્રાઈવરની ધરપકડ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: ફરજ પર હાજર ડેપ્યુટી પોલીસ કમિશનર વાહનવ્યવહારનું નિયમન કરતા હતા ત્યારે પૂરપાટે વેગે આવેલી રિક્ષાએ તેમને અડફેટે લીધા હતા. રિક્ષા ડ્રાઈવરે ઇરાદાપૂર્વક આ કૃત્ય કર્યું હોવાનું પ્રથમદર્શી જણાતાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.
ચિતળસર પોલીસે પકડી પાડેલા આરોપી રિક્ષા ડ્રાઈવરની ઓળખ હેમંત સંતોષ વર્મા (27) તરીકે થઈ હતી. થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં સાઠે નગર ખાતે રહેતા વર્માએ ડેપ્યુટી પોલીસ કમિશનર (ટ્રાફિક) પંકજ નવનાથ શિરસાટને રિક્ષાની અડફેટે લીધા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના બુધવારની રાતે 10 વાગ્યાની આસપાસ બની હતી. ડીસીપી શિરસાટ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સાથે થાણેના માનપાડા જંક્શન પાસે ફરજ બજાવી રહ્યા હતા. થાણેથી ઘોડબંદર તરફ જતા માર્ગ પર વર્મા પૂરપાટ વેગે રિક્ષા ચલાવી રહ્યો હતો. ડીસીપી વરદીમાં હોવાનું જોવા છતાં તેણે રિક્ષા તેજ ગતિથી ડીસીપીની દિશામાં દોડાવી હતી.
રિક્ષાની ટક્કરને કારણે ગંભીર રીતે ઘવાયેલા ડીસીપીને સારવાર માટે વર્તક નગર વિસ્તારની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટના બાદ આરોપી રિક્ષા ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણે ચિતળસર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની હત્યાના પ્રયાસ સહિતની કલમો અને મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી ગુરુવારની રાતે આરોપી વર્માને પકડી પાડવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.