મલાડથી બોરીવલી સુધીના વિસ્તારોમાં આ દિવસથી રહેશે ૨૪ કલાકનો પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડ (પશ્ર્ચિમ)ના માર્વેમાં પાઈપલાઈનને બદલવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. આ કામ સોમવાર, ૨૭ મેથી મંગળવાર, ૨૮ મે સુધી ચાલવાનું છે. તેથી આ ૨૪ કલાક દરમિયાન મલાડથી બોરીવલી સુધીના વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે.
મલાડ પશ્ર્ચિમના વિસ્તારોમાં પાણીપુરવઠામાં કાયમસ્વરૂપે સુધારો લાવવા માટે પી-ઉત્તર વોર્ડના માર્વે રોડ પર ૯૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈન બદલવાનું કામ પાલિકાના પાણીપુરવઠા ખાતા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ કામ સોમવાર, ૨૭ મે, ૨૦૨૪ના રાતે ૧૦ વાગ્યાથી મંગળવાર, ૨૮ મે, ૨૦૨૪ના રાતના ૧૦ વાગ્યા સુધી ચાલશે. આ કામ માટે ૨૪ કલાક માટે પાઈપલાઈનને અલગ કરવામાં આવશે. તેથી મલાડ, કાંદિવલી અને બોરીવલીના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
પાઈપલાઈન બદલવાના કામ અંતર્ગત મલાડના માર્વે રોડ પર શિંદે ગૅરેજથી બ્લુ હેવેન હૉટલ, માર્વે રોડ પાસે ૯૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈન બદલવામાં આવશે. પાઈપલાઈન બદલ્યા બાદ અંડરગ્રાઉન્ડ ગળતરનું પ્રમાણ ઘટશે અને પાઈપલાઈનમાં પાણીનું દબાણ વધશે, તેને કારણે મલાડ પશ્ર્ચિમના વિસ્તારમાં પાણીપુરવઠામાં સુધારો થશે.