દાઉદની પ્રોપર્ટીની બોલી લગાવનાર વ્યક્તિએ પૈસા નથી ચૂકવ્યા, કહ્યું- મોટી રકમ છે, જુગાડ કરી રહ્યો છું
મુંબઇઃ ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની ચાર પૈતૃક મિલકતોની SAFEMA ઓથોરિટી દ્વારા હરાજી કરવામાં આવી હતી. ઓથોરિટી દ્વારા આ પ્રોપર્ટીની રિઝર્વ પ્રાઇસ 15,440 રૂપિયા રાખવામાં આવી હતી, પરંતુ દિલ્હીના રહેવાસી અજય શ્રીવાસ્તવે આ પ્રોપર્ટી માટે સૌથી વધુ 2.01 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. હવે માહિતી આવી રહી છે કે તેણે હરાજીની રકમના 25 ટકાનો પહેલો હપ્તો હજુ સુધી જમા કરાવ્યો નથી.
તેણે તાજેતરમાં એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે મેં SAFEMAને વિલંબ વિશે જાણ કરી છે અને તેઓએ મને સમય આપ્યો છે કારણ કે તે એક મોટી રકમ છે જે હું એકત્ર કરી રહ્યો છું. જલદીથી જ હું ભંડોળની વ્યવસ્થા કરી લઇશ અને SAFEMAને ચુકવણી કરવામાં આવશે. હું બીજા પ્લોટની હરાજી પણ જીતી ગયો હતો, તે ચૂકવવામાં આવ્યો છે અને આવતા અઠવાડિયે હું મિલકત ટ્રાન્સફરની બાકીની ઔપચારિકતાઓ પૂર્ણ કરીશ.
અજયે હરાજીના પ્રથમ હપ્તાના 25 ટકા જમા નહી કરાવતા બીજા સૌથી વધુ બોલી લગાવનાર એડવોકેટ ભૂપેન્દ્ર કુમાર ભારદ્વાજે SAFEMA ઓથોરિટીનો સંપર્ક કર્યો હતો અને તેમના નામે પ્લોટ ફાળવવાની માંગ કરી હતી. આ પ્લોટ માટે તેમણે આશરે રૂ.1.5 લાખની બોલી લગાવી હતી.
એડવોકેટ ભૂપેન્દ્ર કુમાર ભારદ્વાજે શ્રીવાસ્તવ સામે કાર્યવાહીની માંગ કરી હતી અને અને કહ્યું હતું કે તેણે સેફેમાનો સમય બગાડ્યો છે. પ્લોટ ફાળવ્યા પછી જો હું પણ આવું કરું તો મારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ. દાઉદ ઈબ્રાહિમની ચાર પૈતૃક મિલકતોમાં ગેંગસ્ટરની મિલકત વિવાદમાં રહેલો સૌથી નાનો પ્લોટ હતો. આ પ્લોટ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના મુમ્બકે ગામમાં આવેલો છે, જે દાઉદ ઈબ્રાહિમ કાસકરનું પૈતૃક ગામ છે. આ હરાજી 5 જાન્યુઆરીએ યોજાઈ હતી. સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ ઓથોરિટી (SAFEMA) એ 5 જાન્યુઆરી, 2024ના રોજ દાઉદ ઈબ્રાહિમની ચાર પૂર્વજોની મિલકતોની હરાજી કરી હતી. આ ચાર મિલકતોમાંથી બીજી મિલકત એવી હતી જેની કિંમત 1.56 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. તે મિલકત 3.28 લાખ રૂપિયામાં વેચાઇ હતી. આ ચાર મિલકતોની કિંમત 19.2 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. અગાઉ 2017 અને 2020માં SAFEMA દ્વારા દાઉદ ઈબ્રાહિમની 17થી વધુ પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી હતી. 2017 માં, SAFEMA એ હોટેલ રૌનક અફરોઝ, શબનમ ગેસ્ટ હાઉસ અને ભીંડી બજાર નજીક ડામરવાલા બિલ્ડિંગમાં છ રૂમ સહિત દાઉદની મિલકતોની સફળતાપૂર્વક હરાજી કરી હતી, જેનાથી તેને 11 કરોડ રૂપિયા મળ્યા હતા. 2020 માં, SAFEMAએ દાઉદની વધુ છ મિલકતોની હરાજી કરી હતી, જેનાથી કુલ 22.79 લાખ રૂપિયા મળ્યા હતા. ‘આ પ્રોપર્ટી દાઉદની માતાની હતી’. SAFEMA દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ પ્રોપર્ટી દાઉદ ઈબ્રાહિમની માતા અમીના બીની છે. SAFEMAએ દાઉદ ઈબ્રાહિમ અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) અધિનિયમના તસ્કરી અને ઉલ્લંઘન સંબંધિત કેસોના સંબંધમાં આ સંપત્તિઓ જપ્ત કરી છે.