જેલમાં રાજનના સાગરીતો પર હુમલાના કેસમાં ફરાર દાઉદનો ગુંડો 29 વર્ષે પકડાયો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

જેલમાં રાજનના સાગરીતો પર હુમલાના કેસમાં ફરાર દાઉદનો ગુંડો 29 વર્ષે પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આર્થર રોડ જેલમાં ગૅન્ગસ્ટર છોટા રાજનના સાગરીતો પર હુમલો કરવાના કેસમાં ફરાર અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમની ટોળકીનો સભ્ય છેક 29 વર્ષે કર્ણાટકમાં પકડાયો હતો.

એન. એમ. જોશી માર્ગ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ પ્રકાશ રતિલાલ હિંગુ (63) તરીકે થઈ હતી. હિંગુને કર્ણાટક રાજ્યના હુબલી ખાતેથી તાબામાં લેવાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ભાગેડુ ગૅન્ગસ્ટર દાઉદ અને છોટા શકીલ ટોળકી સાથે સંકળાયેલો હિંગુ 1996માં એક કેસમાં આર્થર રોડ જેલમાં બંધ હતો. જેલમાં જ છોટા રાજન ટોળકીના સભ્યો અને દાદઉના સાગરીતો વચ્ચે દંગલ થયું હતું. બન્ને ટોળકીના લોકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર હુમલો કર્યો હતો. તે સમયે એન. એમ. જોશી માર્ગ પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો : અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી, તિહાર જેલમાંથી હોસ્પિટલમાં કરાયો દાખલ

જેલમાં દંગલ મચાવવાના કેસમાં ધરપકડ બાદ જામીન પર છૂટેલો હિંગુ ફરાર થઈ ગયો હતો. જૂહુ લેનની દયાભાઈ ચાલમાં રહેતો હિંગુ સુનાવણી દરમિયાન કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેતો હતો. પરિણામે કોર્ટે તેને ફરાર જાહેર કર્યો હતો.

ફરાર આરોપી હિંગુ કર્ણાટકના હુબલીમાં રહેતો હોવાની માહિતી તાજેતરમાં પોલીસને મળી હતી. પોલીસની એક ટીમે હુબલી જઈ આરોપી પર નજર રાખી હતી. હિંગુ જ ફરાર આરોપી હોવાની ખાતરી થતાં તેને પકડી પાડવામાં આવ્યો હતો.

સંબંધિત લેખો

Back to top button