પરંપરા બદલાઈઃ દીકરીએ પરીક્ષા આપ્યા પછી માતાના કર્યાં અંતિમસંસ્કાર

મુંબઈ: માતા-પિતાની અંતિમક્રિયામાં પુત્રની જ હાજરી હોવાની લાંબા સમયથી ચાલી આવતી પરંપરા હવે બદલાઈ રહી છે. રાજ્યના સાતાર્ડા જાધવ વાડી વિસ્તારમાં એક છોકરીએ સવારે ગણિતનું એસએસસીનું પેપર લખીને બપોરે માતાના અંતિમસંસ્કાર કર્યા હતા. આ ઘટનાને પગલે છોકરી અને તેને ટેકો આપનારા સમાજના સુધારાવાદી કાર્યકરોની હિંમતને શાબાસી આપવામાં આવી રહી છે.
સાતાર્ડા જાધવ વાડીની રહેવાસી રૂપાલી રાજન જાધવ (48)નું રવિવારે સાંજે ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. પરિવારમાં તેમના પતિ અને બે પુત્રી હોવાથી તેમના અંતિમસંસ્કાર કોણ કરશે એ સવાલ હતો.
દેવસુ તાલુકા પેડને (ગોવા)માં આવેલી અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી અને સોમવારે જ ગણિતનું પેપર આપવાનું હોવાથી મોટી પુત્રી ધનશ્રીને એક તરફ માતાના દુઃખ અને બીજી તરફ ભવિષ્યનો પ્રશ્ન હોવાથી મોટી સમસ્યા ઊભી થઈ હતી.
આ પણ વાંચો: પરીક્ષાનું ટેન્શન ખતમ, CBSE ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આવ્યું મોટું અપડેટ
જોકે, આ જ ગામના સામાજિક કાર્યકર અને સાહિત્યકાર ચંદ્રકાન્ત જાધવે આ બાબત પર શાળા પ્રશાસનનું ધ્યાન દોર્યું હતું. વહીવટી તંત્રએ તાત્કાલિક વિદ્યાર્થિનીના ઘરે જઈને તેને સાંત્વના આપી પરીક્ષાનું મહત્વ સમજાવ્યું હતું,
ત્યાર બાદ ધનશ્રી પરીક્ષા આપી શકે અને તેને પરત લાવવાની જવાબદારી શાળાના વહીવટી તંત્રએ ઉપાડી લીધી હતી. પરીક્ષા આપ્યા પછી ધનશ્રીને માતાના અંતિમસંસ્કારમાં પરત લાવવાની જવાબદારી પણ લીધી હતી. પેપર પૂરું થયા પછી બપોરે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
પુત્રી ધનશ્રી પરિવારની સૌથી મોટી સભ્ય હોવાથી માતાના અંતિમ સંસ્કાર કરશે એવો નિર્ણય પરિવારે લીધો હતો. ગ્રામીણ વિસ્તારમાં પહેલી વખત કોઈ માતાના અંતિમસંસ્કાર પુત્રી દ્વારા કરવામાં આવ્યા હોવાનો આ પહેલો જ પ્રસંગ હતો.