ડેટિંગ ઍપના માધ્યમથી મળવા બોલાવી યુવાનોને લૂંટનારી બે મહિલા પકડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડેટિંગ ઍપના માધ્યમથી ઓળખાણ કરીને લોજમાં મળવા બોલાવ્યા પછી યુવાનોને બેભાન કરી લૂંટ ચલાવનારી બે મહિલાને કાશીમીરા અને માંડવી પોલીસે જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી પકડી પાડી હતી.
ધરપકડ કરાયેલી બન્ને મહિલાની ઓળખ બિમલા દેવી (28) અને રુથ નાયડુ (30) તરીકે થઈ હતી. બન્ને મલાડના માલવણી વિસ્તારમાં રહેતી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીઓ પાસેથી બે સોનાની ચેન, ઘડિયાળો, પંદરથી વધુ મોબાઈલ ફોન અને રોકડ હસ્તગત કરાઈ હતી.
આપણ વાચો: ડેટિંગ ઍપ પર મિત્રતા પછી મહિલા ડૉક્ટરની જાતીય સતામણી: યુવક વિરુદ્ધ ગુનો
પોલીસના જણાવ્યા મુજબ આરોપી મહિલાઓ ડેટિંગ ઍપના માધ્યમથી યુવાનોનો સંપર્ક સાધતી હતી. બાદમાં તેમને મીરા રોડથી વિરાર વચ્ચેની કોઈ પણ લોજમાં બોલાવતી હતી. સુંવાળા સહવાસની લાલચમાં આવેલા યુવાનને લોજની રૂમમાં ફૂડ અને કોલ્ડ ડ્રિન્ક અપાતું હતું, જેમાં ઊંઘની ગોળી ભેળવી દેવામાં આવતી હતી. યુવાન બેભાન થઈ જાય પછી તેણે પહેરેલા સોનાના દાગીના, મોબાઈલ ફોન, સ્માર્ટ વૉચ અને રોકડ ચોરી મહિલા ફરાર થઈ જતી હતી.
આ જ રીતે લૂંટાયેલા વિરારમાં રહેતા 31 વર્ષના યુવાને 23 નવેમ્બરે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીને વિરારની લોજમાં બોલાવવામાં આવ્યો હતો. તેને બેભાન કરી મહિલાઓ બે તોલા સોનાની ચેન, મોબાઈલ ફોન અને સ્માર્ટ વૉચ ચોરી ફરાર થઈ ગઈ હતી.
આપણ વાચો: ડેટિંગ ઍપ પર મિત્રતા પછી યુવતી સાથે દુષ્કર્મ: આરોપીની ધરપકડ
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આવી જ રીતે લૂંટની ફરિયાદ કાશીમીરા પોલીસ સ્ટેશનમાં પણ નોંધાઈ હતી. મહિલાઓ પોલીસથી બચવા દરેક લૂંટ બાદ ડેટિંગ ઍપ પરનો પોતાનો પ્રોફાઈલ ડિલિટ કરી નાખતી હતી.
વળી, જે લોજમાં રૂમ બૂક કરતી ત્યાં અસ્પષ્ટ આઈડી કાર્ડ અને ખોટો મોબાઈલ નંબર નોંધાવતી હતી. બન્ને જણ હંમેશાં તેનો ચહેરો ઓઢણીથી ઢાંકી રાખતી હતી, જેથી લોજના સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ ન જાય. એ સિવાય ડિજિટલ પેમેન્ટ ક્યારેય સ્વીકારતી નહીં, એમ અધિકારીએ જણાવ્યું હતું.



