મોદી સરકારનો પરાજય નહીં થાય તો આગળ કાળા દિવસો: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું હતું કે જો મોદી સરકારનો પરાજય નહીં કરવામાં આવે તો દેશને આગામી સમયમાં ‘કાળા દિવસો’ જોવાનો વારો આવશે.
લોકસભાની દેશમાં ચાલી રહેલી ચૂંટણીઓ વિશે પાર્ટીના મુખપત્ર સામનાને આપેલા ઈન્ટરવ્યૂમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે દેશની જનતા તેમના નેતાઓનું ભાવિ નિર્ધારિત કરશે.
વર્તમાન સરકારનો પરાજય કરવામાં આવશે તો દેશનું ભાવિ શાંતીપુર્ણ રહેશે અને લોકશાહી ખીલશે. અન્યથા દેશને કાળા દિવસો જોવાનો વારો આવશે. અચ્છે દિન તો ક્યારેય આવ્યા નથી, પરંતુ કાળા દિવસ ચોક્કસ આવશે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ભ્રષ્ટાચારમાંથી રક્ષણ એ મોદી ગેરેન્ટી છે. બધી જ અન્ય રાજકીય પાર્ટીઓમાંથી ભ્રષ્ટ લોકોની સફાઈ થઈ રહી છે કેમ કે ભાજપે તેમને પોતાની પાર્ટીમાં લઈને રક્ષણની ખાતરી આપી છે.
જે રીતે વેક્યુમ ક્લિનર બધી માટી અને ગંદકી ખેંચી લે છે તેવી જ રીતે ભાજપ બધા જ ભ્રષ્ટ લોકોને ખેંચી રહી છે. કૉંગ્રેસ, શિવસેના અને આખો દેશ હવે ભ્રષ્ટ લોકોથી મુક્ત બની ગયો છે, એમ તેમણે કહ્યું હતું.
વડા પ્રધાન મોદીના ભાષણો અંગે તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના ભાષણમાં પાકિસ્તાનની વાત કરે છે, જ્યારે વિપક્ષીઓ ભારતની વાત કરી રહ્યા છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રચારમાં રામ મંદિર નિર્માણને લાવવાથી સિદ્ધ થઈ રહ્યું છે કે સત્તાધારી પાર્ટી પાસે વિકાસની બાબતે દેખાડવા માટે કશું જ બચ્યું નથી. (એજન્સી)