બાન્દ્રામાં કારના બોનેટ પર બેસી જોખમીસ્ટન્ટનો વીડિયો વાયરલ: બે પકડાયા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રાના કાર્ટર રોડ પર પૂરપાટ વેગે દોડતી કારના બોનેટ પર બેસી જોખમી સ્ટન્ટ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તપાસ કરી બે યુવાનની ધરપકડ કરી હતી. ખાર પોલીસે પકડી પાડેલા બન્ને યુવાનની ઓળખ મોહમ્મદ અલ્તાફ અબ્દુલ સલામ શેખ (22) અને ગુલામ કાદીર અલી સૈયદ (21) તરીકે થઈ હતી. બન્ને આરોપી ધારાવી પરિસરમાં રહે છે અને શેખ ડ્રાઈવિંગનું કામ કરે છે.
પોલીસના જણાવ્યા મુજબ કથિત સ્ટન્ટ 7 જૂનની મધરાતે સાડાબાર વાગ્યાની આસપાસ કરાયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો જાગરૂક નાગરિકે મુંબઈ પોલીસને મોકલાવ્યો હતો. વીડિયોમાં એક કાર પૂરપાટ વેગે દોડે છે અને તેના બોનેટ પર યુવક બેઠો હોવાનું નજરે પડે છે. બાજુમાંથી પસાર થનારા વાહનમાંથી એક વ્યક્તિએ આ સ્ટન્ટનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હોવાનું જણાય છે.
સ્ટન્ટનો વીડિયો બાન્દ્રા કાર્ટર રોડ પરનો હોવાની ખાતરી કર્યા પછી ખાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વીડિયોમાં નજરે પડતી કારને પોલીસે વિવિધ માર્ગ પર લાગેલા સીસીટીવી કૅમેરાને આધારે ટ્રેસ કરી હતી. કાર ધારાવી પરિસરમાં હોવાનું જાણવા મળતાં પોલીસની ટીમે ધારાવીમાં બન્ને યુવાનોની શોધ ચલાવી હતી. શેખ ધારાવીના લેબર કૅમ્પ ખાતેના રત્ના ટાવર નજીક રહેતો હોવાનું અને સૈયદ જાસ્મિન રોડ પરની એક ચાલમાં રહેતો હોવાનું તપાસમાં જણાયું હતું. આ રીતે જોખમી સ્ટન્ટ કરીને પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકવા બદલ તેમની વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું પોલીસનું કહેવું છે.