દક્ષિણ મુંબઈમાં અતિજોખમી ઇમારતોની સંખ્યા હવે ૯૫

મુંબઈ: દક્ષિણ મુંબઈની અંદાજે ૧૪,૦૦૦ ઇમારતનું સ્ટ્રકચરલ ઓડિટ કરવાનો નિર્ણય મ્હાડાના મુંબઈ ઇમારત સમારકામ અને પુનર્રચના વિભાગે લીધો છે. પ્રથમ તબક્કામાં ૧,૦૦૦ ઇમારતનું સ્ટ્રકચરલ ઓડિટ કરાઇ રહ્યું છે અને અત્યાર સુધી ૬૬૬ ઇમારતની તપાસ પૂરી થઇ છે, જ્યારે ૫૪૦ ઇમારતનો ઓડિટ રિપોર્ટ પણ મળી ગયો છે. એક મહિનામાં અતિજોખમી સેસ ઇમારતની સંખ્યા ૭૫ પરથી ૯૫ પર પહોંચી ગઇ છે.
અતિજોખમી જાહેર કરાયેલી ઇમારતોને હવે ૭૯-એ હેઠળ નોટિસ ફટકારવામાં આવી રહી છે. આ નોટિસ હેઠળ માલિક અને રહેવાસીઓને પુનર્વિકાસનો પ્રસ્તાવ રજૂ કરવા માટે છ મહિનાનો સમય આપવામાં આવે છે.
આ પણ વાંચો: મુંબઈમાં જોખમી અને જર્જરિત ઇમારતોના પુનર્વિકાસને વેગ અપાશે: એકનાથ શિંદે
આજ દિવસ સુધી અંદાજે ૧૪,૦૦૦ ઇમારત જોખમી છે અને તેનો પુનર્વિકાસ જરૂરી છે. આ સંખ્યા બહુ જ મોટી હોવાથી માલિક, રહેવાસી પુનર્વિકાસ માટે આગળ આવતા ન હોવાથી આખરે ઇમારતના પુનર્વિકાસ માટે નવાં ધોરણો બનાવવામાં આવ્યાં છે. બીજી તરફ અતિજોખમી ઇમારતોનું સ્ટ્રકચરલ ઓડિટ કરીને તેનો પુનર્વિકાસ ઝડપથી કરાવવાનો નિર્ણય વિભાગે લીધો છે. કેટલાક મહિના પહેલા જ ૧૦૦૦ ઇમારતના સ્ટ્રકચરલ ઓડિટનું કામ શરૂ કરી દેવાયું ગતું.
માર્ચમાં ૫૫૭ ઇમારતની તપાસ પૂર્ણ થઇ હતી અને તેમાંથી ૪૩૮નો રિપોર્ટ પણ મળ્યો હતો જેમાં અંદાજે ૭૫ અતિજોખમી ઇમારત મળી આવી હતી. ૧૫મી એપ્રિલ સુધી સ્ટ્રકચરલ ઓડિટ કરાયેલી ઇમારતોની સંખ્યા ૫૫૭થી ૬૬૬ પર પહોંચી છે અને ૫૪૦ના રિપોર્ટ પ્રાપ્ત થયા છે.
૪૧૧ ઇમારતનું સમારકામ શરૂ
૯૫ ઇમારત સી-૧ વર્ગમાં એટલે કે અતિજોખમી મળી આવી છે. સી-૨માં ૧૩૨ હોઇ તેનું તાત્કાલિક સમારકામ કરાવવું જરૂરી છે. સી-૨બી વર્ગમાં ૨૭૯ ઇમારત, સી-૩માં ૩૪ ઇમારત છે. વિભાગ તરફથી ૪૧૧ ઇમારતનું સમારકામ ચાલી રહ્યું છે.