પુણે યુનિવર્સિટીમાં નોટિસ બોર્ડને નુકસાન પહોંચાડ્યું: સબ-ઇન્પેક્ટર સસ્પેન્ડ
એબીવીપી, બીજેવાયએમના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જવા બદલ સબ-ઇન્પેક્ટર સસ્પેન્ડ
પુણે: સાવિત્રીબાઇ ફૂલે પુણે યુનિવર્સિટીના પરિસરમાં લલિત કલા કેન્દ્ર ખાતે નોટિસ બોર્ડ પર એબીવીપી અને બીજેવાયએમના સભ્યોએ શાહી ફેંકીને તેને નુકસાન પહોંચાડ્યા બાદ આ અંગે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જવા બદલ પોલીસ સબ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
શુક્રવારે સાંજે એક નાટકને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કાર્યકરો અને લલિત કલા કેન્દ્રના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થયા બાદ યુનિવર્સિટીના કેમ્પસમાં પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા.
આરએસએસ સંલગ્ન એબીવીપી દ્વારા ફરિયાદ નોંધાવાયા બાદ ‘રામલીલા’ નાટક ભજવીને કથિત રીતે ધાર્મિક લાગણી દુભવવા બદલ શનિવારે પ્રોફેસર તથા પાંચ વિદ્યાર્થીની ધરપકડ કરાઇ હતી. નાટકમાં વાંધાજનક સંવાદ અને દૃશ્યો હતાં.
શનિવારે સાંજના એબીવીપી અને ભાજપ સાથે જોડાયેલા બીજેવાયએમ (ભારતીય જનતા યુવા મોર્ચા)ના કેટલાક સભ્યો લલિત કલા કેન્દ્રના પરિસરમાં પ્રવેશ્યા હતા. તેમણે સૂત્રોચ્ચાર કર્યા બાદ નોટિસ બોર્ડ પર શાહી ફેંકીને તેને નુકસાન પહોંચાડ્યું હતું.
ચતુર્શ્રૃંગી પોલીસ સ્ટેશનમાં કાર્યરત સબ-ઇન્સ્પેક્ટર સચિન ગાડેકર એ સમયે ત્યાં તહેનાત હતો અને તેણે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા કશું કર્યું નહોતું. ‘એક જવાબદાર અધિકારી હોવાના નાતે તેણે કાર્યવાહી કરવી જોઇતી હતી. તેણે મદદ માટે કૉલ કર્યો નહોતો અને વરિષ્ઠોને પણ એલર્ટ કર્યા નહોતા. આ ફરજની બેદરકારી છે. ઇન્સ્પેક્ટરને તેના કૃત્ય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે,’ એમ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રોફેસર અને વિદ્યાર્થીઓ વિરુદ્ધ નોંધાયેલા એફઆઇઆર અનુસાર નાટકમાં સીતાનું પાત્ર ભજવતા પુરુષ કલાકારે સીતાને સિગારેટ પીતા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા દર્શાવ્યાં હતાં.
એબીવીપીના સભ્યોએ નાટક સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને અટકાવ્યું ત્યારે કલાકારોએ તેમની સાથે મારપીટ કરી હતી, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો. (પીટીઆઇ)