મહાવિકાસ આઘાડીમાં ડખો: કૉંગ્રેસના નેતાઓ નારાજ
બેઠકોની વહેંચણીથી નારાજ હોવાના કારણે વિરોધ
મુંબઈ: મહાવિકાસ આઘાડી(MVA)ના પક્ષો કૉંગ્રેસ, એનસીપી(શરદચંદ્ર પવાર) અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે) વચ્ચે બેઠકોની વહેંચણી થઇ ગઇ ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે તેની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ નવી સમસ્યા ઊભી થઇ છે. બેઠકોની વહેંચણીથી નારાજ કૉંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સૌપ્રથમ મુંબઈ કૉંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહાર વિરોધ કરવાની યોજના હતી. જોકે, પછીથી નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓને મીટીંગ હૉલમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વિરોધ પ્રદર્શન
અમુક બેઠકો પોતાના હાથમાંથી છૂટી જતા આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ખાસ કરીને મુંબઈ, ભિવંડી અને સાંગલીની બેઠકને લઇ કૉંગ્રેસના નેતાઓ નારાજ હોવાની માહિતી મળી હતી. કૉંગ્રેસના મહારાષ્ટ્રના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સામે ઝૂકી ગઇ હોવાનો આરોપ મૂકતા કૉંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: મુંબઈની દક્ષિણ-મધ્ય બેઠકની મડાગાંઠ ઉકેલવા મહાવિકાસ આઘાડીનો નવો ફોર્મ્યુલા
દક્ષિણ-મધ્ય મુંબઈ, સાંગલી અને ભિવંડી આ ત્રણેય બેઠકો મુદ્દે ફરી ચર્ચા વિચારણા કરવાની કૉંગ્રેસ નેતાઓની માગ છે. મુંબઇ કૉંગ્રેસ ઉદ્ધવ ઠાકરેને મળીને દક્ષિણ-મધ્ય મુંબઈની બેઠક માટે વર્ષા ગાયકવાડનું નામ જાહેર કરવાની માગણી કરશે, તેવી માહિતી પણ મળી છે.
ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડીમાં સૌથી વધુ બેઠકો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને(21) ત્યારબાદ કૉંગ્રેસ(17) અને શરદ પવારની એનસીપી(10)ને આપવામાં આવી છે.
બુધવારે ઉદ્ધવ ઠાકરેને સાંગલી, દક્ષિણ-મધ્ય મુંબઈ અને એનસીપીને ભિવંડી બેઠકો ફાળવવાના મુદ્દે કૉંગ્રેસના નેતાઓમાં વિરોધની લાગણી ઊભી થઇ હતી.