આમચી મુંબઈ

મધ્ય રેલવેમાં રોજની કેટલી સુપરફાસ્ટ ટ્રેન દોડાવાય છે, જાણો હકીકત?

મુંબઈઃ રેલવે ભારતીય અર્થવ્યવસ્થામાં તો મહત્વનો ભાગ ભજવે છે એની સાથે દેશના લોકો માટે એક ભરોસાપાત્ર અને સસ્તો-ઝડપી પરિવહનનો વિકલ્પ પણ છે. તેમ છતાં વસ્તીના પ્રમાણમાં દોડી રહેલી ટ્રેનો હંમેશાં ઓછી પડતી હોય તેવું લાંબા વેઇટિંગ લિસ્ટ જોઈને લાગે છે.

મુંબઈની જ વાત કરીએ તો વધતી લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનની સર્વિસને કારણે મુંબઈ સબર્બનની ટ્રેન વ્યવસ્થા પર અસર પડી રહી હોવાનું ટ્રેનના આંકડા પરથી કહી શકાય. જાણીએ મુંબઈ ડિવિઝનમાં રોજની કેટલી સુપરફાસ્ટ મેલ-એક્સપ્રેસ ટ્રેન દોડાવાય છે.

મધ્ય રેલવેએ જણાવ્યું છે કે જૂન-2025 દરમિયાન સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં કુલ 6,035 મેલ અને એક્સપ્રેસ ટ્રેનો (5615 મેલ અને એક્સપ્રેસ ટ્રેનો અને 420 સ્પેશિયલ ટ્રેન સહિત) દોડાવવામાં આવી છે, જે સરેરાશ 201 ટ્રેન પ્રતિ દિવસ છે, જ્યારે ગયા વર્ષે જૂન મહિનામાં કુલ 5801 મેલ અને એક્સપ્રેસ ટ્રેન દોડાવી હતી. એટલે રોજની સરેરાશ 193 ટ્રેનના હિસાબે દોડાવવામાં આવી હતી, જ્યારે રોજની 8 ટ્રેનનો વધારો થયો છે.

આપણ વાંચો: મધ્ય રેલવેમાં ફરી ડિરેલમેન્ટ, લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવાને અસર

નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન મુંબઈ ડિવિઝન દ્વારા કુલ 16853 મેલ અને એક્સપ્રેસ (1390 સ્પેશિયલ ટ્રેનો સહિત) દોડાવવામાં આવી છે, જે રોજની સરેરાશ 185 ટ્રેન થાય છે. જ્યારે ગયા સમગ્ર વર્ષના પહેલા ત્રણ મહિનામાં રોજની 183 ટ્રેનની સરેરાશથી કુલ 16,701 મેલ અને એક્સપ્રેસ ટ્રેનો (1325 સ્પેશિયલ ટ્રેનો સહિત) દોડાવવામાં આવી હતી.

એપ્રિલથી જૂન-2024 દરમિયાન સમર સ્પેશિયલ ટ્રેનો સહિતની ખાસ ટ્રેનની સંખ્યા 449 હતી, જ્યારે આ વર્ષે તેમાં 17 ટકા વધારા સાથે એપ્રિલથી જૂન-2025 દરમિયાન 526 ખાસ ટ્રેનો દોડાવાઈ હતી.

રોજની બહારગામની અને ઉપનગરીય ટ્રેનોની સંખ્યા અને નેટવર્કની વિશાળતાને જોતાં ટ્રેનોના સંચાલન ઉપરાંત તેની નિયમિતતા પણ એક મહત્વનો મુદ્દો છે. મુંબઈ ડિવિઝને આપેલી માહિતી મુજબ ટ્રેનની સમયસરતામાં સુધારો કરવામાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે.

આપણ વાંચો: …હવે મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રવાસીઓને મળશે આ સુવિધા

એપ્રિલથી જૂન 2025 સમયગાળા દરમિયાન મેલ/એક્સપ્રેસ ટ્રેનોની સમયસરતા વધીને 86 ટકા થઈ ગઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 81 ટકા હતી. જૂન 2025માં જ મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં 85 ટકા સમયપાલન નોંધાયું હતું, જે જૂન 2024માં 80 ટકા હતું.

તેવી જ રીતે ઉપનગરીય ટ્રેનોની સમયસરતા 93 ટકા પર પહોંચી ગઈ, જે પાછલા વર્ષના 92 ટકાથી થોડી વધારે છે (આ આંકડા સાથે રોજિંદા પ્રવાસીઓ સહમત થાય તે શંકાસ્પદ છે!). ઉપનગરીય સેવાઓમાં વાર્ષિક ધોરણે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, જેમાં અવિરત ચોમાસા છતાં સમયપાલન 89 ટકાથી વધીને 93 ટકા થયું છે.

રેલવે આ સુધારાઓનો યશ મુંબઈ ડિવિઝનના સતત પ્રયાસો અને વ્યૂહાત્મક આયોજનને આપ્યો છે. કાર્યકારી શ્રેષ્ઠતા પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને, મધ્ય રેલવેનું મુંબઈ ડિવિઝન સેવાની ગુણવત્તામાં વધારો કરીને જનતાની સેવા કરવા માટે પ્રતિબદ્ધ હોવાનો અધિકારીએ દાવો કર્યો હતો.

અહીં એ જણાવવાનું કે મધ્ય રેલવે નોન-સબર્બનમાં રોજના સેંકડો ટ્રેન દોડાવે છે, પરંતુ સબર્બન સેક્શનમાં રોજની 1,800થી વધુ સર્વિસ દોડાવે છે, તેથી બંને સેક્શનમાં ટ્રેનની સર્વિસ પર અસર થવાના ચાન્સ વધુ રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button