આમચી મુંબઈ

ગોરેગામથી દહિસરની પાણીની સમસ્યાનો ઉકેલ આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરના ગોરેગામથી દહિસર સુધીના વિસ્તારમાં પાણીની અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ પ્રાથમિકતાના ધોરણે પાણીના મીટર બેસાડવાની યોજના બનાવી છે. આ મીટર ગળતર અને દૂષિત પાણી પુરવઠા સંબંધિત સમસ્યાનો સામનો કરવામાં મદદ કરશે.

પાણીનું એકસમાન વિતરણ સુનિશ્ર્ચિત કરવા ઉપરાંત આ સિસ્ટમ અધિકારીઓને પાણીના દબાણમાં થતા ફેરફારને ઝડપથી શોધી કાઢવા અને ગળતરને તાત્કાલિક ઓળખવા અને સુધારવામાં સક્ષમ બનાવશે.

શહેરને પાણી પૂરું પાડતાં સાત તળાવોમાં હાલ પાણીનો પૂરતો સ્ટોક હોવા છતાં પશ્ર્ચિમ ઉપનગરના અનેક વિસ્તારોમાં છેલ્લા ચાર મહિનાથી પાણીની અછતનો અનુભવ સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે. વેર્સ્ટન એક્સપ્રેસ હાઈવે નજીકના ડુંગરાળ વિસ્તારો, બોરીવલીના માગાથાણે, દહિસર અને કાંદિવલી પશ્ર્ચિમના અમુક વિસ્તારો તેમ જ મલાડ પશ્ર્ચિમના માર્વે વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણી મળી રહ્યું છે.

ગયા અઠવાડિયે સ્થાનિક વિધાનસભ્યોએ પાલિકા અધિકારીઓ સાથે બેઠક કરીને પ્રમાણસર પાણી પુરવઠો કરવાની માગણી કરી હતી. તેમ જ ઝોન મુજબ પાણીના વિતરણના ડેટા પણ જાહેર કરવાની માગણી કરી હતી.

ગયા અઠવાડિયે સાંસદ અને સ્થાનિક વિધાનસભ્યોએ પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એ દરમ્યાન નોંધવામાં આવ્યું હતું કે કાંદિવલીના મહાવીર નગરમાં ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થાય છે. સામાન્ય રીતે પાણી પુરવઠા દરમ્યાન પાણીનું પ્રેશર લેવલ ૬૦-૬૫ની આસપાસ હોવું જોઈએ. તેની સામે માગાથાણે, દહિસર અને કાંદિવલી જેવા વિસ્તારોમાં આ પ્રેશર લેવલ ૪૦-૪૫ની વચ્ચે જણાયું હતું, જેના કારણે પાણી પુરવઠો અપૂરતો થઈ રહ્યો છે.

પાણીના દબાણનું સચોટ નિરીક્ષણ કરવા માટે ઝોનલ પ્રેશર મીટર સ્થાપિત કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. સમાન પાણી વિતરણ સુનિશ્ર્ચિત કરવા ઉપરાંત આ મીટર પ્રેશરમાં થનારા ફેરફાર અને સપ્લાય નેટવર્કમાં રહેલા ગળતરને પણ શોધવામાં મદદરૂપ થશે.

પશ્ર્ચિમ ઉપનગરના વિધાનસભ્યોના કહેવા મુજબ દક્ષિણ મુંબઈની મોટાભાગની વસતી ઉપગનરમાં સ્થળાંતરિત થઈ ગઈ છે, છતાં પશ્ર્ચિમ ઉપનગરમાં હજુ પણ અપૂરતો પાણી પુરવઠો થઈ રહ્યો છે. લાંબા સમયથી પ્રમાણસર પાણી વિતરણની માગણી કરવામાં આવી રહી છે અને હવે પ્રશાસને તેના પ્રત્યે ગંભીર થવાની જરૂર છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે તમામ વિસ્તારોની સમીક્ષા કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.

નોંધનીય છે કે પાલિકા શહેર અને ઉપનગરને દરરોજ ૪,૦૦૦ મિલ્યન લિટર જેટલો પાણી પુરવઠો કરે છે પણ ચોરી અને ગળતરને કારણે લગભગ ૩૪ ટકા (૧,૪૦૦ મિલ્યન લિટર ) પાણી વેડફાઈ જાય છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button