આમચી મુંબઈ

દહિસર ટોલ નાકાના સ્થળાંતરની મુદત પાછી ઠેલવાઈ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈના પ્રવેશદ્વાર દહિસર પરની ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટોલનાકાને આઠ નવેમ્બર સુધી સ્થળાંતર કરવાની પરિવહન પ્રધાને જાહેરાત કરી હતી પણ હજી સુધી જગ્યા નક્કી થઈ શકી ન હોવાને હાલ પૂરતો આ મુદ્દો લંબાઈ ગયો છે. આ દરમ્યાન વસઈમાં ટોલનાકા માટે જગ્યા જોવા ગયેલા પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક સહિત સરકારી અધિકારીઓને સ્થાનિક ગ્રામવાસીઓના વિરોધનો સામનો કરવો પડયો હતો.

મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગુજરાતથી મુંબઈ આવતા સમયે મુંબઈના પ્રવેશદ્વાર દહિસર પર રહેલા ટોલનાકાને કારણે અહીં મોટા પ્રમાણમાં વાહનોની લાંબી લાઈન લાગતી હોય છે. અમુક સમયે મીરા રોડથી પણ આગળ વાહનોની લાઈન લાગીને ભારે ટ્રાફિક જૅમ થતો હોય છે.

તેથી રાજ્ય સરકારે ટોલનાકાનું સ્થળાંતર કરવાની જાહેરાત કરી હતી અને જગ્યા શોધવાનું કામ સરકારી યંત્રણા દ્વારા કરવામાં આવી રહી હતી પણ જે જગ્યા નક્કી કરવામાં આવી હતી, તેની સામે સ્થાનિક સ્તરે ભારે વિરોધ થતાં પરિવહન પ્રધાનની આઠ નવેમ્બર સુધીમાં ટોલનાકાને હટાવી દેવાની જાહેરાતનો ફિયાસ્કો થયો હતો.

આ દરમ્યાન પ્રતાપ સરનાઈક, નેશનલ હાઈવે ઓથોરિટી, મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેલવપમેન્ટ કૉર્પોરેશન, પોલીસ પ્રશઆસન અને પાલિકા પ્રશાસનના અધિકારીઓએ શનિવારે ટોલનાકાની મુલાકાત લીધી હતી. કામ હજી પૂરું થયું ન હોવાથી ૧૩ નવેમ્બર સુધી કામ પૂરું થશે એવો દાવો કર્યો હતો.

દહિસર ટોલનાકાને મુંબઈ-અમદાવાદ હાઈવે પર વર્સોવા પુલ પાસે ગિરનાર હોટલ નજીક ઊભું કરવાનો વિચાર છે. શનિવારે પ્રતાપ સરનાઈક સહિતના સરકારી અધિકારીઓએ આ જગ્યાનું નિરીક્ષણ કરવા ગયા હતા ત્યારે અહીં ટોલનાકુ ઊભું કરવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં એવું કહીને સ્થાનિક લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.

સ્થાનિક રાજકીય નેતા, ભૂમિપુત્ર સંઘટના સહિત સ્થાનિક ગ્રામવાસીઓએ સરનાઈકના આ વિઝિટ સામે વિરોધ નોંધાવ્યો હતો અને વસઈની હદમાં ટોલનાકું ઊભું કરવા દેવાશે નહીં એવી ચીમકી આપી હતી અને પ્રતાપ સરનાઈક સહિત સરકારી અધિકારીઓના વિરોધમાં હાય-હાયના નારા લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

સ્થાનિક ભૂમિપુત્રોના દાવો મુજબ વર્સોવા પુલ પાસેથી જતો આ રોડ હાઈવે ઓથોરિટી અંતર્ગત આવે છે. તેથી કાયદા મુજબ દહિસર ટોલનાકાને વસઈને હદમાં સસૂનવઘર પાસે સ્થળાંતર કરી શકાય નહીં. અહીં ટોલનાકાને માટે મંજૂરી આપવામાં આવશે નહીં એવી ભૂમિકા સ્થાનિક ભૂમિપુત્રોએ લીધી છે. તેમ જ મુંબઈના પ્રવેશદ્વાર પાસે રહેલા ટોલનાકાને વસઈમાં મંજૂરી આપવા પાછળનું કારણ શું એવો સવાલ પણ સ્થાનિકોએ પ્રતાપ સરનાઈકને કર્યો હતો.

દહિસર ટોલ નાકાને વર્સોવામાં સ્થળાંતર કરવાના મુદ્દા પર ભૂમિપુત્ર સંઘટના આક્રમક થઈ ગઈ છે. નેશનલ હાઈવે પર મહાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેન દ્વારા બનાવવામાં આવેલ ટોલનાકુ ગેરકાયદેસર હોવાનો દાવો સંઘટને કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારના જીઆર મુજબ ૨૦૨૭ સપ્ટેમ્બર સુધી દહિસર ટોલનાકાને બંધ કરવાનું રહેશે.

તેમ જ જો આ ટોલનાકુ વર્સોવામાં સ્થળાંતર થયું તો મુંબઈ-અમદાવાદ હાઈવે, થાણે તરફ જતા રોડ પર ટ્રાફિક જૅમ થશે. આ ટોલનાકાને મુંબઈને પ્રવેશદ્વાર ગણવામાં આવે છે પણ જો તે વર્સોવામાં સ્થળાંતર કરવામાં આવ્યું તો દહિસર નહીંં જનારા લોકોને પણ કારણવગર ટોલ ભરવો પડશે એવી નારાજગી પણ ભૂમિપુત્ર સંઘટનાએ વ્યક્ત કરી છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button