આમચી મુંબઈ

દહિસર ટોલનાકાના સ્થળાંતરને ગડકરીનો ઈનકાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
દહિસર ટોલનાકાને મુંબઈ-અમદાવાદ હાઈવે પર સ્થળાંતર કરવા માટે રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટર નિતીન ગડકરીએ મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. આ બાબતે તેમણે રાજ્યના પરિવહન પ્રધાનને પત્ર પણ લખ્યો છે.

દહિસર ટોલનાકા પર થતી ટ્રાફિકની સમસ્યાને પગલે છેલ્લાં અનેક મહિનાથી દહિસર ટોલ નાકાનું સ્થળાંતર કરવાનો પ્રયાસ રાજ્યના પરિવહન પ્રધાન દ્વારા કરવામાં આવી રહ્યો છે. તે માટે પ્રશાસકીય અધિકારીઓ નવી જગ્યા પણ શોધી રહ્યા હતા. તે મુજબ વર્સોવા ખાડી સામે મુંબઈ-અમદાવાદ હાઈવે પર આ ટોલનાકાને ખસેડવાના પ્રયાસ ચાલી રહ્યા હતા. આ સંદર્ભમાં પ્રતાપ સરનાઈકે કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરીની મુલાકાત લઈને પત્રવ્યહાર પણ કર્યો હતો.

આપણ વાચો: દહિસર ટોલ નાકાના સ્થળાંતરની મુદત પાછી ઠેલવાઈ…

આ દરમ્યાન ૧૧ નવેમ્બરના કેન્દ્રીય પ્રધાને પ્રતાપ સરનાઈકને નેશનલ હાઈવે પર આ ટોલનાકાને સ્થળાંતર કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હોવાનું જણાઈ આવ્યું છે. તેથી ટોલ નાકાના સ્થળાંતરનો પ્રશ્ર્ન હજી ગંભીર બન્યો છે.

તો ૧૩ નવેમ્બરના દહિસર ટોલનાકાને તાત્પૂરતું ૫૦ મીટર અંતર પર ખસેડવામાં આવ્યો છે. એ વખતે ટોલનાકાને પૂર્ણ રીતે સ્થળાંતર કરવામાં આવ્યો હોવાનો દાવો પ્રતાપ સરનાઈકે કર્યો હતો પણ તાત્પૂરતા ફેરફાર બાદ પણ ટ્રાફિકની સમસ્યામાં કોઈ ફરક પડયો નથી.

આપણ વાચો: દહિસર ટોલ નાકાને ખસેડવામાં આવી શકે

દહિસર ટોલનાકા સ્થળાંતર પરથી વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે ત્યારે એક જિલ્લા માટે ઊભા કરેલા ટોલનાકાને બીજા જિલ્લામાં ખસેડીને ટોલ વસૂલવો કાયદેસર ન હોવાનો નિયમ કૉંગ્રેસ આગળ કરી રહી છે.

તેથી નાકાને દૂર લઈ જવાને બદલે નજીક રહેલા જકાત નાકા પર ખસેડો એવી માગણી કૉંગ્રેસે કરી છે. હાલ તે ઠેકાણે પાલિકાએ સભાગૃહ ઊભું કરવા માટે ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરી છે. તો ભારે વાહનો માટે ટોલ વસૂલી માટે બે વર્ષની મુદત બાકી હોવાથી તાત્પૂરતા સમય માટે ટોલનાકાને ખસેડો અને સભાગૃહને ઊભા કરવાના નિર્ણયને બે વર્ષ માટે સ્થગિત કરો એવી સલાહ કૉંગ્રેસે આપી છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button