દહિસર ટોલ નાકાને ખસેડવામાં આવી શકે
ટ્રાફિક સમસ્યાને ડામવા વેસ્ટર્ન હોટલની સામે સ્થળાંતર કરવાની વિચારણા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં પ્રવેશ કરતા સમયે મીરા-ભાયંદર શહેરના છેડા પર આવેલા દહિસર ટોલ નાકાને કારણે મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા નિર્માણ થવાની સાથે જ ઈંધણનો પણ વેડફાટ થઈ રહ્યો છે. તેથી દહિસર ટોલ નાકાને ત્યાંથી આગળ બે કિલોમીટરના અંતર પર આવેલી વેસ્ટર્ન હોટલની સામે સ્થળાંતર કરવામાં આવે એવી શક્યતા છે.
મીરા-ભાયંદર મહાનગરપાલિકાની હદ પાસેનું દહિસર ટોલ નાકું મુંબઈ મહાનગરમાં પ્રવેશ કરવા માટેનું મહત્ત્વનું પ્રવેશ દ્વારા માનવામાં આવે છે. ખાસ કરીને મુંબઈ-અમદાવાદ હાઈવે પરના આ ટોલનાકા પર ગુજરાત તરફથી આવતા વાહનોને કારણે અહીં રોજ મોટા પ્રમાણમાં ટ્રાફિક થતો હોય છે.
આ પણ વાંચો: દહિસર ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામના નિરાકરણ માટે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકનું 3 દિવસનું અલ્ટિમેટમ
રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સમક્ષ એવી માગણી કરી છે કે દહિસર ટોલનાકાને બે કિલોમીટર આગળ આવેલી વેસ્ટર્ન હોટલ સામે સ્થળાંતરિત કરવી. તેથી મીરા-ભાયંદર અને મુંબઈ વચ્ચેનો પ્રવાસ વધુ સરળ અને ઝડપી બનશે.
પરિવહન પ્રધાને કહ્યું હતું કે એકનાથ શિંદે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે રાજ્યના અનેક ટોલનાકાને રદ કર્યા હતા. તેમ જ ટોલનાકા પર નાના વાહનોને ટોલ માફી આપી હતી. તેથી જો દહિસર ટોલનાકાને આગળ ખસેડવામાં આવે તો મીરા-ભાયંદર શહેરના ૧૫ લાખ સ્થાનિક નાગરિક, વાહનચાલક તેમ જ મુંબઈ તરફ જનારા પ્રવાસીઓને મોટી રાહત મળી રહેશે.
નાયબ મુખ્ય પ્રધાને બહુ જલદી આ બાબતે બેઠક કરીને સમસ્યાનું નિરાકરણ લાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું.