આમચી મુંબઈ

પત્ની-સગીર દીકરીની હત્યાનો પ્રયાસ કરનારાની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
દારૂ પીવાના વ્યસની પતિએ બ્લૅડથી હુમલો કરી પત્ની અને સગીર દીકરીની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના દહિસરમાં બનતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

દહિસર પોલીસે મંગળવારે પકડી પાડેલા આરોપીની ઓળખ હનુમંત વિજય સોનવળ (37) તરીકે થઈ હતી. દહિસર પૂર્વના કોંકણીપાડા ખાતેની યાદવ ચાલમાં રહેતો સોનવળ પેસ્ટ ક્ધટ્રોલનું કામ કરતો હતો. તેને દારૂ પીવાનું વ્યસન હતું અને નશામાં તે પત્ની રાજશ્રીના ચારિત્ર્ય પર શંકા કરી તેની મારપીટ કરતો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર આરોપીની પત્ની ખાનગી કંપનીમાં કામ કરતી હતી. ઘરે મોડેથી પહોંચે કે પરિસરમાં કોઈ પુરુષ સાથે વાતચીત કરતી નજરે પડે તો આરોપી ચારિત્ર્ય પર શંકા કરીને પત્ની સાથે ઝઘડા કરતો હતો. મારપીટ દરમિયાન 14 વર્ષની દીકરી પ્રિયાંશી મધ્યસ્થી કરતી. પરિણામે પત્ની અને દીકરીને ઊંઘમાં જ મારી નાખી પોતે પણ આત્મહત્યા કરવાની ધમકી આરોપી વારંવાર આપતો હતો.

આ પણ વાંચો: નિવૃત્ત શિક્ષકનો આત્મહત્યાનો પ્રયાસ દીકરીએ મહારાષ્ટ્ર્ના પ્રધાનના સગા સામે આંગળી ચીંધી…

પતિના ત્રાસથી કંટાળી પત્નીએ છૂટાછેડા માટે બાન્દ્રા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ અંગે ચર્ચા કરવા 30 નવેમ્બરે પત્ની રાજશ્રી વકીલ પાસે ગઈ હતી. ઘરે મોડી આવવાને મામલે આરોપીએ પત્ની સાથે ઝઘડો કર્યો હતો. રાતે જમ્યા પછી સૂઈ ગયેલી દીકરીના ગળા પર આરોપીએ બ્લૅડ ફેરવી હતી. જાગી ગયેલી દીકરીએ બૂમાબૂમ કરતાં રાજશ્રી પણ ઊંઘમાંથી જાગી હતી. આરોપીએ રાજશ્રીના પેટ પર બ્લૅડથી ઘા કર્યો હતો. મદદ માટે રાજશ્રી ઘરની બહાર દોડી હતી. રાજશ્રીની બૂમો સાંભળી પડોશીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને આરોપીને પકડી પાડ્યો હતો. સારવાર બાદ દીકરીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button