દહિસરમાં ગોવિંદાની પ્રેક્ટિસ વખતે બાળકે જીવ ગુમાવ્યો…
છઠ્ઠા થર પર ચડેલા બાળકનું જમીન પર પટકાવાથી માથામાં ગંભીર ઇજાને કારણે મૃત્યુ: આયોજક વિરુદ્ધ ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દહિસર પૂર્વના કેતકીપાડા વિસ્તારમાં ગોવિંદાની પ્રેક્ટિસ વખતે માનવ પિરામિડના છઠ્ઠા થર પરથી પટકાયેલા 11 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હતો. આ પ્રકરણે પોલીસે ગોવિંદી પ્રેક્ટિસનું આયોજન કરનારા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
દહિસર પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની રાતે 9.45 વાગ્યાની આસપાસ બની હતી. પ્રેક્ટિસ દરમિયાન મૃત્યુ પામેલા બાળકની ઓળખ મહેશ રમેશ જાધવ તરીકે થઈ હતી. જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડવાની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ હોવાથી દહિસર પૂર્વના નવતરુણ મિત્ર મંડળ દ્વારા પણ કેતકીપાડામાં પ્રેક્ટિસ ચાલી રહી હતી.
નજીકના જ ધારખાડી વિસ્તારના રામનગર ડોંગરી ખાતે રહેતો મહેશ આ મંડળના કાર્યકરો સાથે ગોવિંદાની પ્રેક્ટિસમાં જોડાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ પ્રેક્ટિસ દરમિયાન બાળક માનવ પિરામિડના છઠ્ઠા થર પર ચડ્યો હતો. સંતુલન ગુમાવવાને કારણે બાળક પડી ગયો હતો અને જમીન પર પટકાયો હતો.
માથામાં ગંભીર ઇજા સાથે તેને દહિસરની પ્રગતિ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પ્રેક્ટિસના સ્થળે સુરક્ષાની પૂરતી તકેદારી રાખવામાં આવી નહોતી, જેને પગલે આ ઘટના બની હોવાનું કહેવાય છે. પરિણામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો…રાજ્યના ૧.૫ લાખ ગોવિંદાઓને મળશે વિમા સંરક્ષણ