પરિણામ પહેલા ભાજપને બીજો ઝટકોઃ વિધાનસભ્યની સંન્યાસ લેવાની જાહેરાત…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા જ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને ફટકો પડ્યો છે. સવારે મુંબઈ ભાજપના સચિવ ઉદ્ધવ ઠાકરે જૂથમાં જોડાયા પછી વધુ એક વિધાનસભ્યએ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. પક્ષના નેતાઓ દ્વારા કરાયેલા આક્ષેપોને કારણે નારાજ થઇને ભાજપના વિધાનસભ્ય દાદારાવ કેચેએ પત્રકાર પરિષદ બોલાવી હતી અને આ અંગેની જાહેરાત કરી હતી. તેઓ વર્ધા જિલ્લાના આર્વી મતવિસ્તારથી વિધાનસભ્ય છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના પરિણામો પહેલા ભાજપને ફટકો, પદાધિકારી ઉદ્ધવ જૂથમાં જોડાયા…
દાદારાવ કેચેએ જણાવ્યું હતું કે મેં હવે રાજકીય સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. હું ભાજપ માટે કામ કરીશ નહીં તથા કોઇ પક્ષમાં પણ નહીં જાઉ. હવે હું ફક્ત સમાજસેવા કરીશ. ૧૯૮૩થી હું ભાજપ માટે કામ કરું છું. તે વખતે પક્ષને ગામેગામમાં લઇ ગયો. પક્ષને મજબૂત બનાવ્યો તેથી હું ૨૦૦૯માં વિધાનસભ્ય બન્યો. ૨૦૧૪માં હાર થઇ, પણ ૨૦૧૯માં ફરી ચૂંટાઇ આવ્યો, એમ તેમણે કહ્યું હતું.
મારા ઉપર વિનાકારણે આક્ષેપો કરાયા છે. આ વખતે પણ પક્ષ તરફથી ટિકિટ આપવામાં આવી અને છેલ્લી ઘડીએ પીછેહઠ કરવાનું કહેવામાં આવ્યું. પક્ષનો આદેશ સમજીને મેં એવું પણ કર્યું. તે વખતે પણ હું નારાજ નહોતો. ભાજપના ઉમેદવાર માટે ૨૭ સભા યોજી હતી છતાં હવે કહેવામાં આવે છે કે મેં પક્ષ માટે કામ જ નથી કર્યું, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : ભાજપના નેતા વિનોદ તાવડેએ રાહુલ ગાંધી, ખડગે અને સુપ્રિયાને કાનૂની નોટિસ મોકલી
આ અગાઉ આજે મુંબઈ ભાજપના સેક્રેટરી અને માહિમથી પાર્ટીના નેતા સચિન શિંદે તેમના કાર્યકરો સાથે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં જોડાયા હતા. સચિન શિંદે શિવસેના (યુબીટી)માં જોડાયા હોવાથી માહિમની બેઠક પર દગો થયો હોવાનું માનવામાં આવે છે.