દાદર સ્ટેશન પર સ્ટોલનું સ્થાનાંતરણ કરવાથી પ્રવાસીઓને પાણી માટે વલખા
મુંબઈઃ મધ્ય રેલવેમાં દાદરમાં પ્લેટફોર્મ નંબર ૯, ૧૦ અને ૧૧ પરથી ઉપનગરીય લોકલનો ઉપયોગ કરનારા મુસાફરો માટે નવ મેથી આ પ્લેટફોર્મ પરના ખાણી-પીણીના સ્ટોલ બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારથી મુસાફરો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. બુધવારે, મુસાફરોને આ પ્લેટફોર્મ પર ક્યાંય પાણીની બોટલ ન મળતા સ્ટોલ માલિકો સાથે બોલાચાલી થઇ હતી.
એક સ્ટોલ માલિકે જણાવ્યું હતું કે, આજે સંખ્યાબંધ મુસાફરોએ પાણીની બોટલ માંગી હતી. અમારી પાસે પાણીની બોટલોનો થોડો સ્ટોક હોવા છતાં, અમે કંઈપણ વેચી શકતા નહોતા કારણ કે અમારી દુકાનો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્ટોલ માલિકે વધુમાં કહ્યું કે સત્તાવાળાઓ તેમના સ્ટોલને કલ્યાણના છેડા તરફ ખસેડવા કહે છે, જ્યાં શૌચાલય આવેલા છે. અમારા સ્ટોલ લગભગ આ પ્લેટફોર્મની મધ્યમાં આવેલા હતા, જેની પહોળાઈ ૧૫-૧૬ મીટર છે. પરંતુ જે જગ્યાએ અમને સ્થળાંતર કરવાનું કહેવામાં આવી રહ્યું છે તે ખૂબ જ સાંકડી છે. આ પગલું મુસાફરોની સલામતીનું કઇ રીતે રક્ષણ કરશે ,એક સ્ટોલ માલિકે સવાલ કર્યો .
૯ મેના રોજ, મધ્ય રેલવેના સત્તાવાળાઓએ એક નોટિસ જારી કરીને પ્લેટફોર્મ ૯, ૧૦ અને ૧૧ પરના સ્ટોલને ૨૦ મે સુધીમાં દુકાન બંધ કરવા અને ૨૦ મે સુધીમાં નવા સ્થાને સ્થળાંતર કરવા જણાવ્યું હતું. જો કોઈ લાઇસન્સધારક સ્થળાંતર ન કરે તો , તેમના સ્ટોલની કામગીરી સ્થગિત કરવામાં આવશે,બંધ સ્ટોલ્સ પર સૂચના લગાવવામાં આવી હતી. સ્ટોલ બંધ હોવાથી, પ્લેટફોર્મ પર ખોરાક અને પાણીની કોઈ જોગવાઈ નથી.
આ પણ વાંચો : દાદર સ્ટેશનની કાયાપલટઃ મધ્ય રેલવેમાં વધુ એક પ્લેટફોર્મ ‘ડબલ ડિસ્ચાર્જ’ બનાવાશે
મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રેનમાંથી ડબલ-ડિસ્ચાર્જ માટે અમે પ્લેટફોર્મને પહોળું કરી રહ્યા છીએ. ડબલ ડિસ્ચાર્જ પ્લેટફોર્મમાં, મુસાફરો બંને બાજુથી ટ્રેનમાંથી ચઢી અને ઉતરી શકે છે. સ્ટેશનના વિસ્તરણ અને વધુ મુસાફરોને સમાવવાની વ્યાપક યોજનાના ભાગરૂપે પ્લેટફોર્મને લંબાવવામાં આવી રહ્યું છે. હાલમાં, હાલની યુટિલિટીઝ, દાદરા, કેન્ટીન, ફૂટ ઓવરબ્રિજ અને માળખાને ફરીથી ગોઠવવાનું કામ ચાલી રહ્યું છે.