દાદર કબૂતરખાનામાં ફરી ભારે ધમાલ…
કબૂતરને ચણ પર પ્રતિબંધના સમર્થનમાં કબૂતરખાના પાસે એકઠા થયેલા મરાઠી સંગઠનના કાર્યકરોની અટકાયત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પોલીસે બુધવારે મુંબઈના દાદર વિસ્તારમાં ‘કબૂતરખાના’માં કબૂતર ખવડાવવા પર પ્રતિબંધનું સમર્થન કરવા માટે દેખાવો કરી રહેલા મરાઠી એકીકરણ સમિતિના વડા સહિત અનેક સભ્યોની અટકાયત કરી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
મરાઠી એકતા સમર્થક સંગઠનના કાર્યકરોનું એક જૂથ સવારે 11 વાગ્યાની આસપાસ કબૂતરખાના (કબૂતર ચણ ખવડાવવાનો વિસ્તાર) ખાતે એકઠા થયા હતા, જ્યાં કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે પહેલેથી જ ભારે સુરક્ષા ગોઠવવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
પોલીસે અટકાયત કરાયેલા લોકોમાં મરાઠી એકીકરણ સમિતિના પ્રમુખ ગોવર્ધન દેશમુખ પણ હતા. સંગઠનના સભ્યો પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે, તેમાંથી ઘણાની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ વાહનમાં બેસાડવામાં આવ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
દેશમુખે મોટી ભીડ વચ્ચે હાજર પોલીસ કર્મચારીઓ સાથે દલીલો કરવાનો પ્રયાસ કર્યો હતો, છઠી ઓગસ્ટે કબુતરખાનામાં વિરોધ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. પોલીસે મરાઠા એકીકરણ સમિતિના સમર્થકોની અટકાયત કરી, ત્યારે દેશમુખે સુરક્ષા કર્મચારીઓને પૂછ્યું કે 6 ઓગસ્ટના રોજ કબુતરખાનામાં વિરોધ કરવા બદલ જૈન સમુદાયના કથિત સભ્યો સામે કોઈ કેસ કેમ નોંધવામાં આવ્યો નથી.
પોલીસે ત્યારબાદ દેશમુખની અટકાયત કરી અને તેમને અન્ય પ્રદર્શનકારીઓ સાથે પોલીસ વાહનમાં બેસાડ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. છઠી ઓગસ્ટે, મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ દાદર કબુતરખાનામાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા કબૂતરોને ચણ ખવડાવી ન શકાય તે માટે લગાવવામાં આવેલી તાડપત્રીને દૂર કર્યું હતું અને પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું હતું.
મહારાષ્ટ્રના પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ પાછળથી દાવો કર્યો કે લોકપ્રિય કબુતરખાના પરના વિરોધમાં જૈન સમુદાયના સભ્યોની કોઈ ભૂમિકા નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કબુતરખાનાના મુદ્દામાં કોઈ ધાર્મિક દૃષ્ટિકોણ નથી.
રવિવારે બીએમસીએ ફરીથી કબુતરખાનાને પ્લાસ્ટિકની ચાદરથી ઢાંકી દીધું હતું.
બુધવારે મરાઠી એકીકરણ સમિતિના દેખાવોમાં ભાગ લેનારી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેઓ પ્રતિબંધના સમર્થનમાં ‘શાંતિપૂર્ણ’ દેખાવો માટે કબુતરખાનામાં ભેગા થયા હતા. તેમણે દાવો કર્યો હતો કે જૈન સમુદાયના કેટલાક સભ્યોએ કોર્ટના આદેશોનો અનાદર કર્યો છે. આ સમુદાય શાંતિપ્રિય તરીકે ઓળખાય છે, પરંતુ કેટલાક લોકો શસ્ત્રો ઉપાડવાની વાત કરે છે, જે પણ અપેક્ષિત નથી, એમ તેમણે કહ્યું હતું.
‘અમે અહીં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવા આવ્યા છીએ અને નિયમોનું ઉલ્લંઘન કરવા માટે નહીં, અને પોલીસ પર ભારણ નહીં નાખીએ,’ એમ એક પ્રદર્શનકારીએ જણાવ્યું હતું. સાતમી ઓગસ્ટે, બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે તેમણે શહેરમાં કબુતરખાના બંધ કરવાનો કોઈ આદેશ પસાર કર્યો નથી, પરંતુ ફક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનના બંધ કરવાના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.
નિષ્ણાતોની સમિતિ અભ્યાસ કરી શકે છે કે શહેરમાં જૂના કબુતરખાના ચાલુ રાખવા જોઈએ કે નહીં, પરંતુ ‘માનવ જીવન સર્વોપરી છે’, એમ તેમાં કહેવામાં આવ્યું હતું. જો કોઈ બાબત વરિષ્ઠ નાગરિકો અને બાળકોના વ્યાપક સ્વાસ્થ્યને અસર કરે છે, તો તેનો ફેરવિચાર થવો જોઈએ. ‘સંતુલન હોવું જોઈએ,’ એમ કોર્ટે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે સોમવારે કબૂતરખાનામાં કબૂતરોને ચણ ખવડાવતા લોકો પર પ્રતિબંધ મૂકવા માટે બીએમસીને નિર્દેશ આપતા હાઈ કોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે જૈન સાધુ મુનિ નિલેશચંદ્ર વિજયે સોમવારે કબૂતરોને ચણ ખવડાવવાના સ્થળો બંધ કરવાના નિર્ણય સામે 13 ઓગસ્ટથી અનિશ્ર્ચિત ભૂખ હડતાળ શરૂ કરવાની ચેતવણી આપી હતી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો સમુદાય કોર્ટના આદેશોનું પાલન કરશે નહીં તો તે તેમની ધાર્મિક પ્રથાઓ વિરુદ્ધ જશે.
‘જો જરૂર પડશે, તો અમે ધર્મ માટે હથિયાર પણ ઉપાડીશું,’ એમ તેમણે કહ્યું હતું.