બાપરે!! મહારાષ્ટ્રના જળાશયોમાં તળિયા દેખાવા માંડ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના લગભગ ૩,૦૦૦ ડેમમાં સરેરાશ પાણીનો જથ્થો તેની કુલ ક્ષમતાના ૨૨ ટકા જેટલો નીચો આવી ગયો છે, તેમાં પણ છત્રપતિ સંભાજીનગર ડિવિઝનમાં માત્ર ૯.૦૬ ટકા જેટલો પાણીનો જથ્થો બાકી રહ્યો છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછો છે.
રાજ્યમાં ૨,૯૯૭ ડેમ આવેલા છે, જેમાં બુધવાર સુધી માં પાણીનો કુલ જથ્થો તેની કુલ ક્ષમતાના માત્ર ૨૨.૬૪ ટકા બાકી રહ્યો હતો. ગયા વર્ષે આ જ સમયે ડેમમાં ૩૧.૮૧ ટકા જેટલો પાણીનો જથ્થો હતો, તેની સરખામણીમાં આ વર્ષે ૯.૧૭ ટકા પાણીનો સ્ટોક ઓછો છે.
મહારાષ્ટ્રના જળ સંસાધન વિભાગના અહેવાલ મુજબ રાજ્યના છ વોટર ડિવિઝનમાંથી છત્રપતિ સંભાજીનગરના ડેમમાં તેની કુલ ક્ષમતાના સરેરાશ ૯.૦૬ ટકાનો સ્ટોક છે. પુણે ડિવિઝનમાં ૧૬.૩૫ ટકા સાથે બીજા નંબરે સૌથી ઓછો સ્ટોક છે. ત્યારબાદ નાશિકમાં ૨૪.૫૦, કોંકણમાં ૩૫.૮૮ ટકા, નાગપુર ૩૮.૪૧ ટકા અને અમરાવતી ડિવિઝનમાં ૩૮.૯૬ ટકા છે.