ડબ્બા ટ્રેડિંગ ઍપ પ્રકરણમાં ચાર સ્થળે ઈડીના દરોડા
સવાત્રણ કરોડની રોકડ, લક્ઝુરિયસ કાર્સ અને વિદેશી ચલણ જપ્ત

મુંબઈ: ડબ્બા ટ્રેડિંગ મોબાઈલ ઍપ્લિકેશન્સ પ્રકરણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ઈડી) મુંબઈમાં ચાર સ્થળે દરોડા પાડી સવાત્રણ કરોડની રોકડ, લક્ઝુરિયસ કાર્સ અને વિદેશી ચલણ સહિતની મતા જપ્ત કરવામાં આવી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલા હવાલા ઑપરેટરની માહિતી પણ ઈડીને મળી હોઈ અધિકારીઓ તેની તપાસ કરી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ડબ્બા ટ્રેડિંગ સંબંધી છ મોબાઈલ ઍપ પ્રકરણમાં ઈડીએ સર્ચ હાથ ધરી હતી. ઈન્દોરના લસુદિયા પોલીસ સ્ટેશનમાં દાખલ ગુનાના આધાર પર ઈડીએ આ કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન રોકડ, કાર્સ અને વિદેશી ચલણ સાથે દાગીના તેમ જ રૂપિયાની ગણતરી કરનારું મશીન પણ જપ્ત કરવામાં આવ્યું હતું. ઍપ્લિકેશન ચલાવનારી વ્યક્તિઓને મળવનારા નફા અને હવાલા ઑપરેટરની સંડોવણી સંબંધી માહિતી પણ ઈડીને મળી હતી.
આ પણ વાંચો: સટ્ટાબાજી એપ્સ મામલો: 29 ફિલ્મ કલાકારો અને ઇન્ફ્લ્યુએન્ઝર્સ ઈડીના રડાર પર
શૅરબજારની બહાર બિનસત્તાવાર રીતે કરવામાં આવતા સોદાને ડબ્બા ટ્રેડિંગ કહેવામાં આવે છે. તેમાં સરકારી યંત્રણાને અંધારામાં રાખીને ગેરકાયદે રોકડમાં સોદા કરવામાં આવે છે, જેને પગલે સરકારને વેરો ચૂકવવામાં આવતો નથી. ડબ્બા ટ્રેડિંગને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાનું કહેવાય છે.
અગાઉ એક નાની ડાયરીમાં ખરીદ-વેચાણની નોંધ રાખીને આ વ્યવસાય કરવામાં આવતો. બાદમાં હવાલા મારફત નાણાંની હેરફેર કરવામાં આવતી. સમયાંતરે આમાં પરિવર્તન આવ્યું એટલે લૅપટોપનો ઉપયોગ થવા લાગ્યો. હવે સીધી મોબાઈલ ઍપ્લિકેશન ચાલુ કરી દેવામાં આવી હતી. આ ઍપનો ઉપયોગ કરનારી વ્યક્તિને ઉપનામ આપવામાં આવે અને એ જ નામે બધા સોદા નોંધવામાં આવે. ઍપનો ઉપયોગ કરનારાને લૉગ ઈન આઈડી અને પાસવર્ડ આપવામાં આવે છે, એવું તપાસમાં જણાયું હતું.