‘શક્તિ’ વાવાઝોડું: મુંબઈ, થાણેમાં છૂટોછવાયો વરસાદ રહેશે પાલઘરમાં આઠ ઑક્ટોબરના ભારે વરસાદ પડી શકે છે...
Top Newsઆમચી મુંબઈ

‘શક્તિ’ વાવાઝોડું: મુંબઈ, થાણેમાં છૂટોછવાયો વરસાદ રહેશે પાલઘરમાં આઠ ઑક્ટોબરના ભારે વરસાદ પડી શકે છે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અરબી સમુદ્રમાં ‘શક્તિ’ વાવાઝોડાનું નિર્માણ થયું હોવા છતાં મુંબઈ અને થાણે સહિત મહારાષ્ટ્રના કિનારપટ્ટી પર હાલ પૂરતું આ વાવાઝોડાથી કોઈ ખતરો ન હોવાનું ભારતીય હવામાન ખાતા (કોલાબા)ના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. જોકે આ સમય દરમ્યાન મુંબઈ સહિત થાણેમાં હળવાથી મધ્યમ સ્વરૂપના વરસાદના ઝાપટાં પડી શકે છે પણ ભારે વરસાદની હાલ કોઈ શક્યતા નથી.

બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણનો પટ્ટો ભારત ઉપરથી પ્રવાસ કરીને અરબી સમુદ્રમાં તરફ આવ્યું હતું અને ઈશાન તરફ લો પ્રેશરની તીવ્રતા વધીને ગુજરાત અને પાકિસ્તાનને કિનારા પાસે ‘શક્તિ’ વાવાઝોડાનું નિર્માણ થયું છે. આ વાવાઝોડું ભારતના પશ્ર્ચિમ કિનારાથી દૂર દરિયામાં જઈ રહ્યું છે અને તે વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરે એવી શક્યતા છે. આ સિસ્ટમને કારણે અરબી સમુદ્રમાં કલાકના ૧૦૦થી ૧૨૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ સિસ્ટમ સોમવાર સુધી રહે એવી શક્યતા છે.

આ સમય દરમ્યાન ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના કિનારપટ્ટીના વિસ્તારમાં પાંચ ઑક્ટોબર, રવિવાર સુધી ૪૫થી ૬૫ કિલોમીટરની ઝડપને પવન ફૂંકાવાની સાથે જ દરિયામાં મોજાં ઊંચા ઉછળશે. તેથી માછીમારોને દરિયામાં નહીં જવાની સલાહ પણ આપવામાં આવી છે.

ભારતીય હવામાન ખાતાએ શનિવારે પાંચ દિવસ માટે પોતાની આગાહી બહાર પાડી હતી, તેમાં જણાવ્યું હતું કે મુંબઈમાં આઠ ઑક્ટોબર સુધી છૂટાછવાયા હળવા વરસાદના ઝાપટાં પડી શકે છે. તો થાણે અને રાયગઢ જિલ્લાઓમાં પણ સમય દરમ્યાન છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. જોકે પાલધરમાં આઠ ઑક્ટોબરના ભારે વરસાદની શક્યતા છે.

કોલાબા વેધશાળાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં નિર્માણ થઈ રહેલું વાવાઝોડું હજી પણ મુંબઈથી દૂર છે, તેથી હાલમાં મહારાષ્ટ્રના આંતરિક વિસ્તારો સહિત મુંબઈમાં ભારે વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. જોકે આગામી અઠવાડિયા સુધી ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહેશે.

આ દરમ્યાન શનિવારે સવારના મહારાષ્ટ્ર સરકારે ‘શક્તિ’ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લા પ્રશાસનને તૈયાર રહેવા માટેની સૂચના બહાર પાડી હતી. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે તમામ જિલ્લા પ્રશાસને તેમની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમને તૈયાર રાખવી પડશે. દરિયાકાંઠા અને નીચાણવાળઆ વિસ્તારોમાં નાગરિકોના સ્થળાંતરની યોજના તૈયાર રાખવાની રહેશે. આ સમય દરમ્યાન દરિયામાં મુસાફરી ટાળવાની રહેશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button