‘સાયબર ગુલામી’ કેસનો સૂત્રધાર મીરા રોડમાં પકડાયો
ઊંચા પગારની નોકરીને બહાને આરોપી સાયબર ફ્રોડના કૉલ સેન્ટરમાં બળજબરીથી કામ કરાવવા યુવાનોને વિદેશ લઈ જતો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઊંચા પગારની નોકરીને બહાને વિદેશ લઈ ગયા પછી યુવાનોને સાયબર ફ્રોડ કરનારા કૉલ સેન્ટરમાં બળજબરીથી કામ કરાવવાના ‘સાયબર ગુલામી’ કેસમાં મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.
મુંબઈના સાઉથ રિજન સાયબર પોલીસે બુધવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ સલમાન મુનીર શેખ તરીકે થઈ હતી. નોકરી ઇચ્છુકોને વિદેશ લઈ જવા માટે શેખ એજન્ટ તરીકે કામ કરતો હતો. પોલીસ કસ્ટડીમાં રહેલા શેખની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
આપણ વાંચો: સાયબર ફ્રોડ માટે બૅન્ક ખાતાં અને સિમ કાર્ડ ખરીદીને ઍક્ટિવેટ કરનારી ટોળકી પકડાઈ
એન્ટોપ હિલ વિસ્તારમાં રહેતા યુવાને ઑગસ્ટ, 2024માં નોંધાવેલી ફરિયાદને આધારે સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નોકરીની શોધમાં રહેલા ફરિયાદીની ઓળખાણ સોશ્યલ મીડિયા મારફત શેખ સાથે થઈ હતી. શેખે વિદેશમાં નોકરી સંદર્ભેની જાહેરાત આપી હતી.
થાઈલૅન્ડમાં મહિને 70 હજાર રૂપિયાની ડેટા એન્ટ્રીની નોકરી હોવાનું શેખે ફરિયાદીને કહ્યું હતું. લાલચમાં આવી ફરિયાદી અને તેનો મિત્ર થાઈલૅન્ડ જવા તૈયાર થઈ ગયા હતા. આ માટે વિઝા અને ટિકિટના બન્ને જણે 30-30 હજાર રૂપિયા શેખને ચૂકવ્યા હતા.
આપણ વાંચો: સુરત સાયબર ફ્રોડ કેસ: ₹1550 કરોડના કૌભાંડમાં 1.50 લાખ પાનાની ચાર્જશીટ દાખલ
ફરિયાદમાં જણાવાયું હતું કે ફેબ્રુઆરી, 2024માં ફરિયાદી અને તેના મિત્ર સહિત પાંચ જણને શેખ થાઈલૅન્ડ લઈ ગયો હતો. ઍરપોર્ટથી કારમાં લાઓસ લઈ ગયા પછી પાંચેયને ત્યાંના કૉલ સેન્ટરમાં ચાઈનીઝ નાગરિકને સોંપાયા હતા. પછી શેખ ત્યાંથી ભારત પાછો ફર્યો હતો.
કૉલ સેન્ટરમાં ભારતથી ગયેલા પાંચેયના પાસપોર્ટ જમા કરાવી દેવાયા હતા અને અનિચ્છાએ તેમની પાસે લોકોને ઠગવાનાં કામ કરાવાતાં હતાં. આરોપીઓ વિવિધ દેશના નાગરિકોને વૉટ્સઍપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવાં સોશ્યલ મીડિયાનાં માધ્યમથી સંપર્ક કરવાનું કહીને છેતરપિંડી અને ખંડણી જેવાં કામ કરવા દબાણ કરતા હતા. કામના સ્થળેથી બહાર નીકળવાની પણ તેમને મનાઈ ફરમાવાઈ હતી.
આવું કામ કરવાનો ઇનકાર કરી ભારત પાછા મોકલાવી દેવાની વાત ફરિયાદીએ કરતાં બદલામાં 20 હજાર ચાઈનીઝ કરન્સી ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. એ સિવાય તેમની બદલીમાં બે યુવાનને નોકરીએ લગાડવાની શરત મૂકવામાં આવી હતી. શેખ દ્વારા બે યુવાન મોકલવામાં આવ્યા પછી ફરિયાદીનો છુટકારો થયો હતો. મુંબઈ પાછા ફર્યા પછી ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી શેખને મીરા રોડના નયા નગર ખાતેથી પકડી પાડ્યો હતો.