આમચી મુંબઈ

સાયબર પોલીસના કોન્સ્ટેબલો જ મોબાઈલ ડેટા ચોરીને રીઢા આરોપીને વેચતા હતા!

ગુપ્તચર ખાતાના અહેવાલ બાદ બે કોન્સ્ટેબલને નોકરીમાંથી પાણીચું આપી ધરપકડ

થાણે: સાયબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલે જ નાગરિકોના અતિમહત્ત્વના કૉલ ડિટેઈલ રેકોર્ડ્સ (સીડીઆર) સહિતના મોબાઈલ ડેટા ચોરીને રેકોર્ડ પરના રીઢા આરોપીને વેચ્યા હોવાનું સામે આવ્યું હતું. ગુપ્તચર ખાતાના અહેવાલ બાદ બન્ને કોન્સ્ટેબલને પોલીસની નોકરીમાંથી બરતરફ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ બન્ને કોન્સ્ટેબલની ઓળખ આકાશ સોપાન સુર્વે (36) અને હર્ષદ લક્ષ્મણ પરબ (31) તરીકે થઈ હતી. થાણેના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બન્ને કોન્સ્ટેબલ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું ગુપ્તચર વિભાગના અહેવાલમાં જણાયું હતું.

બન્ને કોન્સ્ટેબલ મોબાઈલ વપરાશકારોના સીડીઆર, સબસ્ક્રાઈબર ડિટેઈલ રેકોર્ડ્સ (એસડીઆર) અને લૉકેશન ડેટા પ્રાપ્ત કરીને રીઢા આરોપી મોહમ્મદ સોહેલ મોહમ્મદ શબ્બીર રાજપૂત (28)ને વેચતા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

કોન્સ્ટેબલો દ્વારા આચરાતી આ ગેરકાયદે પ્રવૃત્તિની ગંભીર નોંધ લઈ થાણેના પોલીસ કમિશનર આશુતોષ ડુંબરેએ બન્ને કોન્સ્ટેબલ સામે કડક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. આદેશ અનુસાર સુર્વે અને પરબને ત્રીજી મેથી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

નોકરીમાંથી પાણીચું આપ્યા પછી પાંચમી મેના રોજ સાયબર પોલીસ સ્ટેશનમાં બન્ને કોન્સ્ટેબલ વિરુદ્ધ ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધવામાં આવ્યો હતો. તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2), 314 અને 316 તેમ જ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી (આઈટી) ઍક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ પ્રકરણની સર્વાંગી તપાસ માટે કેસ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1માં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. બે કોન્સ્ટેબલ સહિત રાજપૂતની પણ પોલીસે ધરપકડ કરી હતી. અદાલતે ત્રણેય આરોપીને 11 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button