ચીનથી ઑપરેટ થતા સાયબરફ્રોડનો પર્દાફાશ: છની ધરપકડ…
વૉટ્સઍપ પ્રોફાઈલમાં કંપનીના ડિરેક્ટરનો ફોટો મૂકી નાણાં પડાવતાં: રૂપિયા ક્રિપ્ટોકરન્સીમાં બદલી ચીન મોકલવામાં આવતા: આરોપી પાસેથી પિસ્તોલ અને કારતૂસ પણ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતીય નાગરિકોને છેતરીને નાણાં પડાવવાનાં ચીનથી ઑપરેટ થતા સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી પોલીસે છ આરોપીની ધરપકડ કરી હતી. કંપનીના ડિરેક્ટરની પ્રોફાઈલ તસવીરવાળા વૉટ્સઍપ નંબરથી સંપર્ક કરીને કંપનીના અધિકારીઓ પાસેથી નાણાં પડાવનારા આરોપીઓ બાદમાં એને ક્રિપ્ટોકરન્સીમાં ક્ધવર્ટ કરીને ચીન મોકલતા હતા. સાયબર ફ્રોડ કરનારા આરોપી પાસેથી પોલીસને પિસ્તોલ અને કારતૂસો પણ મળી આવી હતી.
વેસ્ટ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ શુભમ બાજીરાવ કુંજીર (28), અક્ષય ગોરખ શેળકે (28), ઉજ્વલ રાજ અવધેશ કુમાર સિંહ (29), શુભમકુમાર જયપાલ સિંહ પરદેશી ઉર્ફે રાજપૂત (28), આદિત્ય દિલીપ શિંદે ઉર્ફે લુસિફર (31) અને આર્યન શિવપાલ મિશ્રા ઉર્ફે સિંચન નોહરા (33) તરીકે થઈ હતી. આરોપીઓ પાસેથી 28 મોબાઈલ ફોન, એક લૅપટોપ, 16 સિમ કાર્ડ, વિવિધ બૅન્ક ખાતાંની 13 ચેક બુક અને આઠ ડેબિટ કાર્ડ હસ્તગત કરાયા હતા. મુખ્ય આરોપી નોહરા પાસેથી એક પિસ્તોલ અને ચાર કારતૂસો પણ મળી આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર એપ્રિલ, 2025માં પ્રતિષ્ઠિત કંપનીના અધિકારીનો આરોપીએ વૉટ્સઍપ પર સંપર્ક સાધ્યો હતો. આરોપીએ જે નંબર પરથી સંપર્ક સાધ્યો હતો તેના પ્રોફાઈલ પર કંપનીના ડિરેક્ટરનો ફોટો હતો. મીટિંગમાં વ્યસ્ત હોવાનું કહીને અધિકારીને કંપનીના બૅન્ક ખાતામાંથી 1.93 કરોડ રૂપિયા વ્યવસાયાર્થે ટ્રાન્સફર કરવાની સૂચના અપાઈ હતી અને આ માટે બૅન્ક ખાતા નંબર પણ આપવામાં આવ્યો હતો. કંપનીના ડિરેક્ટરની સૂચના હોવાનું માની અધિકારીએ તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં.
જોકે બાદમાં પોતાને છેતરવામાં આવ્યો હોવાની જાણ અધિકારીને થતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. સાયબર પોલીસે જે બૅન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર થયાં હતાં તેની વિગતો મેળવી હતી. એ બૅન્ક ખાતું આરોપી શુભમ કુંજીરના નામે હતું. પુણેમાં રહેતા કુંજીર સહિત અક્ષય શેળકે અને ઉજ્વલ સિંહને પણ આ રીતે બૅન્ક ખાતાં ખોલાવવાં નાણાંની લાલચ અપાઈ હતી. બાદમાં ત્રણેયને આરોપી પરદેશીએ મુંબઈની એક હોટેલમાં રાખ્યા હતા અને તેમની પાસેથી બૅન્ક ખાતાની કિટ પ્રાપ્ત કરી હતી.
મુખ્ય આરોપી આર્યન મિશ્રાના કહેવાથી આરોપી આદિત્ય ખાતાધારકોની વિગતો એકઠી કરીને મિશ્રાને આપતો હતો. સાયબર ફ્રોડથી મેળવેલી રકમ અને ખાતાધારકોની વિગતો ઉત્તર પ્રદેશનો વતની મિશ્રા ચીનથી આ રૅકેટ ઑપરેટ કરનારા આરોપીને પાઠવતો હતો. મિશ્રા જ રૂપિયા વિદેશી ચલણ અને ક્રિપ્ટોકરન્સીમાં ક્ધવર્ટ કરીને ચીની આરોપીઓના સંપર્કમાં રહેતો હતો, એવું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.