કસ્ટમ્સે 10.33 કરોડ રૂપિયાના સોના અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુ જપ્ત કરી: સાતની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કસ્ટમ્સ વિભાગે છેલ્લા પાંચ દિવસમાં મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કાર્યવાહી કરી અંદાજે 10.33 કરોડ રૂપિયાના મૂલ્યના સોના અને ઈલેક્ટ્રોનિક્સની વસ્તુઓ જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસ બાદ સાત જણની ધરપકડ કરવામાં આવી હોઈ 45 લાખ રૂપિયાનું વિદેશી ચલણ પણ હસ્તગત કરાયું હતું.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરર્પો પર કસ્ટમ્સ ઝોન-3ના અધિકારીઓએ 10થી 14 જુલાઈ દરમિયાન 24 કાર્યવાહી કરી હતી, જેમાં 13 કિલોથી વધુનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ સોનું ગોલ્ડ ડસ્ટ, ક્રૂડ જ્વેલરી, ગોલ્ડ બાર્સ સહિત વિવિધ પ્રકારનું હોવાનું અધિકારીનું કહેવું છે. પ્રવાસીઓ કપડાં, પેપર્સનાં લેયર્સમાં તેમ જ શરીરમાં સંતાડીને સોનું વિદેશથી લાવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ દુબઈ, અબુ ધાબી અને જેદ્દાહથી આવેલા પાંચ ભારતીય નાગરિક પાસેથી સોનાની ચેઈન્સ અને બંગડીઓ મળી આવી હતી. આ પાંચેય ભારતીયની ધરપકડ કરવામાં આવી હતી. એ જ રીતે ઉત્તર પ્રદેશના મુઝફ્ફર નગર અને ઉત્તરાખંડના હરિદ્વારમાં રહેતા બે ભારતીય નાગરિકની હૅન્ડ બૅગમાંથી મીણમાં સંતાડેલી ગોલ્ડ ડસ્ટ મળી આવતાં તેમની ધરપકડ કરાઈ હતી.
આ પણ વાંચો: કસ્ટમ્સના ક્લિયરિંગ એજન્ટના સ્વાંગમાં જૂહુના બિઝનેસમેન સાથે 1.26 કરોડની છેતરપિંડી
અબુ ધાબી, બહરિન, શારજાહથી આવેલા 16 ભારતીય નાગરિક પાસેથી સોનું તેમ જ 2.16 કરોડ રૂપિયાના મૂલ્યની ઈલેક્ટ્રોનિક્સની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. એક ફ્લાઈટમાં તો સિક્યોરિટી ગાર્ડ્સથી બચવા માટે કોઈએ ટૉઈલેટના નળ નીચે સંતાડવામાં આવેલું 1.89 કરોડ રૂપિયાનું સોનું હસ્તગત કરાયું હતું.
ગોલ્ડ ડસ્ટને મીણમાં સંતાડી સેલો ટેપ સાથે નળને ચોંટાડી રાખવામાં આવ્યું હતું. બૅન્ગકોક જઈ રહેલા બે વિદેશી નાગરિક પાસેથી 45 લાખ રૂપિયાનું વિદેશી ચલણ જપ્ત કરાયું હોવાનું કસ્ટમ્સ વિભાગે જણાવ્યું હતું.