આમચી મુંબઈટોપ ન્યૂઝ

બેંકોના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ધાંધિયાથી ગ્રાહકો પરેશાન, જાણો કારણ શું છે?

મુંબઈ: દેશની જાણીતી બેંકોના ગ્રાહકોને આજે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં ભારે મુશ્કેલી પડી હતી. ઓનલાઈન બેકિંગ સર્વિસ પૈકી જી-પે, પે-ટીએમ કે પછી અન્ય કોઇ પણ પ્રકારના યુપીઆઇ (Unified Payments Interface) ટ્રાન્ઝેક્શન કે પછી મોબાઇલ બેંકિંગ કામગીરી થતી નહીં હોવાને કારણે મંગળવારે સાંજ પછી આ સર્વિસનો ઉપયોગ કરનારા લોકો ખૂબ હેરાન થયા હતા.

દેશની ટોચની ચાર બૅંકોના સર્વર ડાઉન થવાના કારણે આખો દિવસ લોકો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી શક્યા નહોતા. ખાનગી ક્ષેત્રની અગ્રણી એચડીએફસી, સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા(એસબીઆઇ), કોટક મહિન્દ્રા બૅંક સહિત બૅંક ઑફ બરોડા આ તમામ બૅંક્સના સર્વર ડાઉન હતા. ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ઉપરાંત અમુક લોકોએ એક્સ (પહેલા ટ્વિટર) પર એટીએમમાંથી પૈસા નીકળતા નહીં હોવાની ફરિયાદ પણ સંબંધિત બૅંકને ટેગ કરીને તેની ફરિયાદ કરી હતી.

ખાસ કરીને રોજબરોજના નાણાંકીય વ્યવહાર માટે ઓનલાઇન બેંકિંગ કે યુપીઆઇ ટ્રાન્ઝેક્શન પર આધાર રાખતા લોકો ખૂબ હેરાન થયા હતા. તેમણે પોતાની નારાજગી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર દર્શાવી હતી તેમ જ જો સર્વર ડાઉન હોય તો તેની જાણકારી બૅંક દ્વારા ગ્રાહકોને આપવી જોઇએ એવી સલાહ પણ સંબંધિત બેંકને ટેગ કરીને આપી હતી.

આ સમસ્યા મંગળવારે સાંજ પછી શરૂ થઇ હોવાનું જણાયું હતું. જેના કારણે રોકડ રકમ પોતાની પાસે નહીં રાખતા અને ઓનલાઇન બેંકિંગનો ઉપયોગ કરતા લોકોના કામ અટવાઇ ગયા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન એના સંબંધમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)એ ઓનલાઈન પ્લેટફોર્મ (એક્સ) પર ગ્રાહકોને પડતી મુશ્કેલીનો ઉકેલ લાવવાની હૈયાધારણ આપી હતી. એનપીસીઆઈએ લખ્યું હતું કે ટેક્નિકલ કારણસર અમુક બેંકોના ઓનલાઈન વ્યવહાર કરવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ વહેલામાં વહેલી તકે ટેક્નિકલ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button