CSMT પ્રોટેસ્ટ: રેલવે યુનિયનના પદાધિકારીઓ સામે FIR, પાંચ દિવસ પછી કાર્યવાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મધ્ય રેલવેના સીએસએમટી સ્ટેશન ખાતે છઠ્ઠી નવેમ્બરમાં રેલવેના કર્મચારીઓએ પ્રદર્શન કર્યા પછી લોકલ ટ્રેનની સેવા ખોરવાઈ હતી, ત્યાર પછી ટ્રેન સેવા બંધ થવાને કારણે સેન્ડ હર્સ્ટ સ્ટેશન ખાતે ચાર પ્રવાસીઓને લોકલ ટ્રેનને ટક્કર મારી હતી.
રેલવે કર્મચારીઓના વિરોધ પ્રદર્શન અને ઓપરેશન સિસ્ટમને રોકવાના કિસ્સામાં હવે રેલવે પોલીસે સેન્ટ્રલ રેલવે મજદૂર સંઘ (સીઆરએમએસ)ના 30થી 40 કર્મચારી સામે એફઆઈઆર નોંધ્યો છે. રેલવે કર્મચારીઓના પ્રદર્શનને કારણે લોકલ ટ્રેનસેવા લગભગ એક કલાક સ્થગિત થઈ હતી, જ્યારે મોડી રાત સુધી ટ્રેનો મોડી દોડતી રહી હતી.
આપણ વાચો: સેન્ડહર્સ્ટ રોડ ટ્રેન અકસ્માતઃ મુંબઈગરાઓનો આક્રોશ, જવાબદાર લોકો સામે કડક પગલાં લો…
રેલવે પોલીસે એફઆઈઆરમાં બે પદાધિકારીના નામ છે, જ્યારે બાકીના પ્રદર્શનકારીઓના નામ નથી. એફઆઈઆર નોંધવામાં આવ્યા પછી હજુ સુધીની કોઈ ધરપકડ કરવામાં આવી નથી. ઘટનાના પાંચ દિવસ પછી એફઆઈઆર નોંધવા અંગે રેલવે એક્ટિવિસ્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
ભારતીય ન્યાય સંહિતા અને મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારી રેલવે પોલીસે અધિકારીઓ અને સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા અને સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરી હતી.
નવમી જૂનના મુમ્બ્રામાં ટ્રેન અકસ્માતમાં સંબંધિત રેલવે સ્ટાફ દોષી ઠેરવવામાં આવ્યા હતા. રેલવે એન્જિનિયર સામે એફઆઈઆર નોંધવાના જીઆરપીના નિર્ણયનો વિરોધ કરવા માટે રેલવે કર્મચારીઓએ સીએસએમટી ખાતે પ્રદર્શન કર્યું હતું.
આપણ વાચો: કલ્યાણમાં પ્રવાસીએ કરેલી મારપીટમાં મહિલા ટિકિટ બુકિંગ ક્લર્ક બેભાન
સાંજના 5.30 વાગ્યાથી 6.30 વાગ્યા સુધી પ્રદર્શનને કારણે ટ્રેનસેવા સ્થગિત થઈ હતી, પરિણામે સેન્ડહર્સ્ટ સ્ટેશન ખાતે અમુક પ્રવાસીઓ ટ્રેક પર ચાલી નીકળ્યા હતા, જેમાં ચાર પ્રવાસીને ટ્રેને ટક્કર મારતા ગંભીર ઘવાયા હતા, જેમાં બેનાં મોત થયા હતા. યુનિયનના બેજવાબદારભર્યા વર્તનની રેલવે અધિકારીઓની સાથે પ્રવાસી સંગઠને આકરી ટીકા કરી હતી.
આ કેસમાં પ્રદર્શનકારીઓ સામે રેલવે પોલીસ કમિશનરના આદેશોનું ઉલ્લંઘન કરવા અને ગેરકાયદે રીતે ભેગા થવા બદલ ગુનો નોંધ્યો છે. રેલવે પોલીસના જણાવ્યાનુસાર પ્રદર્શનકારીઓએ સીએસએમટી ખાતે ડીઆરએમની ઓફિસ સામે પ્રદર્શન કરવાની મંજૂરી લીધી હતી, પરંતુ પછી સીએસએમટીના મેઈન કોનકોર્સમાં સૌ એકત્ર થયા, ત્યાર પછી મોટરમેનની લોબીને અવરોધિત કરી હતી, જેને કારણે ટ્રેનસેવા રોકાઈ હતી.



