સીએસએમટીના પ્લેટફોર્મ પરથી ટ્રેક પર પડ્યું ક્લિનિંગ મશીન, મોટરમેને હોનારત ટાળી

મુંબઈઃ રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવા તથા સ્વચ્છ બનાવવાના ભાગરુપે રેલવે સ્ટેશનના પરિસરમાં સાફસફાઈ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, તેમાંય વળી રાઉન્ડ ધ ક્લોક સફાઈ હાથ ધરવા માટે મોટા ટર્મિનસ ખાતે જમ્બો ક્લિનિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તાજેતરમાં સીએસએમટીમાં ફ્લોર ક્લિનિંગ મશીન પ્લેટફોર્મ પરથી રેલવે ટ્રેક પર પડવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો.
મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) ખાતે આજે મોટી હોનારત ટળી ગઈ હતી. સાત નંબરના પ્લેટફોર્મ પર બેટરી ઓપરેટડ ક્લિનિંગ મશીન રેલવે ટ્રેક પર પડ્યું હતું, પરંતુ એ જ વખતે ટ્રેક પરની ટ્રેનના મોટરમેનની નજર જતા ઈમર્જન્સી બ્રેક મારી હતી, પરિણામે મોટી હોનારત ટળી ગઈ હતી.
આપણ વાંચો: રેલવે હવે મેટ્રોને પગલેઃ મધ્ય રેલવેમાં સીએસએમટી-પરેલ વચ્ચે ‘નવા’ કોરિડોરની તૈયારી
આ બનાવ બન્યા પછી રેલવે ટ્રેક પરથી મશીનને હટાવવામાં થોડો સમય લાગ્યો હતો, પરિણામે લોકલ ટ્રેન પણ પ્લેટફોર્મની બહાર રહી હતી. સાત નંબર પર બનેલી આ ઘટનામાં મોટરમેનની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી ગઈ હતી. આ બનાવનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ પ્રવાસીઓની સુરક્ષા અંગે અનેક સવાલો કર્યા હતા.
સીએસએમટીમાં ફ્લોર ક્લિનિંગ મશીન રેલવે ટ્રેક પર અચાનક પડ્યું હતું. બપોરના 11.33 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. લગભગ પાંચથી દસ મિનિટ માટે લોકલ ટ્રેનને રોકવાની નોબત આવી હતી, પરંતુ એમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.