મુંબઈ એરપોર્ટે વર્ષ 2025માં નોંધાવ્યા નવા રેકોર્ડઃ 55.5 મિલ્યન પ્રવાસીએ યાત્રા કરી…

મુંબઈઃ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) માટે કેલેન્ડર વર્ષ 2025 ઐતિહાસિક રહ્યું. વર્ષ દરમ્યાન વાર્ષિક સૌથી વધુ 55.5 મિલ્યન યા 5.5 કરોડ મુસાફરોનો પેસેન્જર ટ્રાફિક નોંધાયો. આ સિદ્ધિ સ્થિર વૃદ્ધિ અને અનેક મહત્વપૂર્ણ કામગીરીના સીમાચિહ્ન રૂપ છે. કુલ મુસાફરોમાં 16.3 મિલ્યન આંતરરાષ્ટ્રીય મુસાફરો અને 39.2 મિલ્યન સ્થાનિક મુસાફરોનો સમાવેશ થાય છે.
આ આંકડો કેલેન્ડર વર્ષ 2024ની સરખામણીમાં આશરે 1.3 ટકાનો વાર્ષિક વૃદ્ધિદર દર્શાવે છે અને કેલેન્ડર વર્ષ 2023ની સરખામણીમાં કુલ 7.6 ટકાનો વધારો દર્શાવે છે. જાન્યુઆરી 2025 એ અત્યાર સુધીનો સૌથી વ્યસ્ત મહિનો હતો, જેમાં લગભગ 5 મિલ્યન મુસાફરોએ મુસાફરી કરી હતી. ત્યાર બાદ નવેમ્બર 2025 માં આશરે 4.9 મિલ્યન મુસાફરોનો ટ્રાફિક જોવા મળ્યો. નવેમ્બર ખાસ કરીને રેકોર્ડબ્રેક મહિનો હતો.
આ મહિને CSMIAએ એક જ દિવસમાં સૌથી વધુ મુસાફરોને હેન્ડલ કરવાના ત્રણ રેકોર્ડ નોંધાવ્યા, જેમાં 29 નવેમ્બર, 2025ના 175,925 મુસાફરોનો અત્યાર સુધીનો સૌથી વધુ એક દિવસીય પેસેન્જર ટ્રાફિકનો સમાવેશ થાય છે. વધુમાં ઓક્ટોબરથી ડિસેમ્બર (ચોથા ક્વાર્ટર)ના સમયગાળામાં પણ સૌથી વધુ મુસાફરોનો ટ્રાફિક જોવા મળ્યો, જેમાં કુલ 1.43 કરોડ મુસાફરોનો સમાવેશ થયો હતો.
CSMIAના ઓપરેશનલ થ્રુપુટ પણ કેલેન્ડર વર્ષ 2025 માં નવી ઊંચાઈએ પહોંચ્યા. આ સમયગાળા દરમિયાન, એરપોર્ટે કુલ 331,011 એર ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM)નું સંચાલન કર્યું, જેમાં 92,141 આંતરરાષ્ટ્રીય અને 238,870 સ્થાનિક ATMનો સમાવેશ થાય છે.
21 નવેમ્બર 2025ના રોજ એક નવો રેકોર્ડ સ્થાપિત થયો, જ્યારે એક જ દિવસમાં 1,036 એટીએમ નોંધાયા, જે CSMIA ના ઇતિહાસમાં એક જ દિવસમાં સૌથી વધુ છે. એકંદરે, 2022 ની સરખામણીમાં હવાઈ ટ્રાફિકની ગતિવિધિઓમાં લગભગ 25 ટકાનો વધારો થયાની ધારણા છે.
આ પણ વાંચો…નવી મુંબઈ એરપોર્ટ અંગે આવી નવી અપડેટઃ DGCA એ આપ્યું આ મહત્વપૂર્ણ લાઇસન્સ



