આમચી મુંબઈ

કસ્ટમ્સના લિલામમાંથી સસ્તા ભાવે સોનું આપવાની લાલચે એક કરોડ રૂપિયા પડાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
કસ્ટમ્સ વિભાગ દ્વારા જપ્ત કરાયેલું સોનું લિલામમાંથી સસ્તા ભાવે અપાવવાને બહાને કુર્લાના વ્યાવસાયિક પાસેથી એક કરોડ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

કુર્લામાં ભારત સિનેમા નજીકના પરિસરમાં રહેતા અને ચિકન સપ્લાયનો વ્યવસાય કરતા 44 વર્ષના વ્યાવસાયિકે નોંધાવેલી ફરિયાદને આધારે વાકોલા પોલીસે સોમવારે ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. એફઆઈઆરમાં આરોપી તરીકે ઈલિયાસ ખાન અજમેરી, અજમેરી સિરાઝ ખાન, અનિસ દાવડા, ગણેશ સિંહ ઉર્ફે રોહિત અને સુંદર સિંહનાં નામનો સમાવેશ હોવાનું પોલીસનું કહેવું છે.

પોલીસ ફરિયાદ અનુસાર સપ્ટેમ્બર, 2023માં એક મિત્રના માધ્યમથી ફરિયાદીની ઓળખ આરોપીઓ સાથે થઈ હતી. કસ્ટમ્સના લિલામમાંથી મેળવેલું સોનું સસ્તી કિંમતે વેચવાનો તેમનો વ્યવસાય હોવાનું આરોપીએ કહ્યું હતું. બિલ સાથે 24 કૅરેટ સોનાની બિસ્કિટ્સ આપવાની ખાતરી આરોપીએ આપી હતી.

આપણ વાંચો: કસ્ટમ્સ વિભાગમાં નોકરીને નામે ચાર યુવક સાથે 12.2 લાખની ઠગાઇ…

2023માં જ આરોપીઓએ ફરિયાદી પાસેથી ત્રણ વખત રોકડ લઈને તેના બદલામાં સોનું આપ્યું હતું. પરિણામે ફરિયાદીનો તેમના પર વિશ્ર્વાસ બેઠો હતો. ઑક્ટોબર, 2023માં કસ્ટમ્સમાંથી પાંચથી છ કિલો સોનાનું પાર્સલ મળવાનું હોવાથી તેના માટે એક કરોડ રૂપિયાની રોકડ આપવી પડશે, એવું આરોપીઓએ કહ્યું હતું. તેમણે ઑનલાઈન ટ્રાન્ઝેક્શનથી રૂપિયા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

ફરિયાદીએ તેની જમાપૂંજી, સગાં અને મિત્રો પાસેથી ઉછીનાં નાણાં લઈ એક કરોડ રૂપિયા જમા કર્યા હતા. આ રકમ ભરેલી બૅગ વાકોલા બ્રિજ નજીક કારમાં આવેલા ઈલિયાસ ખાન અને રોહિતને આપી હતી. બાદમાં વારંવાર સંપર્ક સાધતાં આરોપીઓ ઉડાઉ જવાબ આપતા હતા. આખરે ફરિયાદીને તેની રકમ અને સોનું ન મળતાં પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button