ઍરપોર્ટ પર ચાર દિવસમાં 1.76 કરોડનું સોનું અને 1.18 લાખ ડૉલર્સ જપ્ત
કસ્ટમ્સ વિભાગ દ્વારા આઠ ગુનામાં 11 પ્રવાસી પર કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ચાર દિવસમાં 11 પ્રવાસી પર કાર્યવાહી કરી 1.76 કરોડ રૂપિયાનું સોનું, ચાર આઈફોન્સ અને 1.18 લાખથી વધુ યુએસ ડૉલર્સ જપ્ત કર્યા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ કસ્ટમ્સના અધિકારીઓએ 17થી 20 માર્ચ દરમિયાન આઠ કેસ નોંધ્યા હતા, જેમાંથી છ કેસમાં આઠ પ્રવાસી પાસેથી દાણચોરીથી લાવવામાં આવેલું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. પ્રથમ કેસમાં દમામથી ઍર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટથી મુંબઈ આવેલા ભારતીય નાગરિકને આંતરવામાં આવ્યો હતો. તેના બૅગમાં ટૂલ બૉક્સ હતું, જેમાંથી સોનું મળી આવ્યું હતું.
કસ્ટમ્સે નોંધેલા અન્ય કેસોમાં દુબઈથી આવેલા ત્રણ ભારતીય પ્રવાસી પાસેથી સોનાની ચાર ચેન, કુવેતથી આવેલા બે ભારતીય પાસેથી શરીરમાં સંતાડેલું સોનું જપ્ત કરાયું હતું. એ સિવાય શારજાહથી ઍર અરેબિયાની ફ્લાઈટમાં આવેલા ભારતીય નાગરિકની તપાસ કરતાં તેના આંતર વસ્ત્રોમાં સંતાડેલી ગૉલ્ડ ડસ્ટ અને ચાર આઈ ફોન મળી આવ્યા હતા. દુબઈથી જ આવેલા અન્ય એક પ્રવાસીના સામાનની તપાસ કરતાં રમકડાની કાર મળી આવી હતી. આ કારમાં વાયર સ્વરૂપે રાખવામાં આવેલું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
કસ્ટમ્સના અધિકારીએ જણાવ્યું હતું કે બે અલગ અલગ કેસમાં મુંબઈથી દુબઈ જવા નીકળેલા બે ભારતીયને તાબામાં લેવાયા હતા. સીઆઈએસએફના તાબામાં સોંપાયેલા બન્ને પ્રવાસી પાસેથી 1,18,350 યુએસ ડૉલર્સ મળી આવ્યા હતા. પકડાયેલા પ્રવાસીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.