આમચી મુંબઈમહારાષ્ટ્ર

3,600 કરોડના ડ્રગ જપ્તિનો કેસ: ઈડીએ આરોપીઓની વિગતો માગી

ડ્રગ્સના કારોબારમાં હવાલા ટ્રાન્ઝેક્શન્સની શક્યતાની ઈડી તપાસ કરશે

પુણે: પુણે પોલીસે ગયા મહિને 3,600 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ જપ્ત કરી ધરપકડ કરેલા આરોપીઓની વિગતો હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) માગી છે. ડ્રગ્સના ગેરકાયદે કારોબારમાં થયેલા આર્થિક વ્યવહારની તપાસ કરવા માગતી ઈડીને હવાલા ટ્રાન્ઝેક્શનની શંકા હોવાનું કહેવાય છે.

મળેલી માહિતીને આધારે પુણે પોલીસે ફેબ્રુઆરીમાં પુણે નજીકના કુરકુંભ એમઆઈડીસી પરિસરમાં આવેલી ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફૅક્ટરી પર રેઈડ કરી હતી. આ કેસમાં પોલીસે પુણે, દિલ્હી અને સાંગલીમાંથી 1,700 કિલો મેફેડ્રોન જપ્ત કર્યું હતું, જેની કિંમત અંદાજે 3,600 કરોડ રૂપિયા હોવાનું અધિકારીનું કહેવું છે. તપાસ દરમિયાન પોલીસે ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફૅક્ટરીના માલિક સહિત 11 જણની ધરપકડ કરી હતી.

આ કેસની તપાસ કરી રહેલી પુણે ક્રાઈમ બ્રાન્ચને સોમવારે ઈડીએ એક પત્ર મોકલાવ્યો હતો, જેમાં ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા આરોપીઓની વિગતો માગવામાં આવી છે. ડ્રગ્સ રૅકેટ દેખીતી રીતે જ બહુ મોટું છે, જેને પગલે ઈડી હવે આર્થિક પાસાની તપાસ કરવા માગે છે. તેથી આરોપીઓની વિગતો માગવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

ઈડી દ્વારા આરોપીઓની માહિતી, તેમનાં બૅન્ક ખાતાં અને જે સ્થળોએ સર્ચ કરાઈ તેની વિગતો માગવામાં આવી છે. માહિતીને આધારે ઈડી નાણાંનું પગેરું અને હવાલાના વ્યવહારોની તપાસ કરે એવી શક્યતા પુણે પોલીસના અધિકારીએ વ્યક્ત કરી હતી.

આ કેસમાં ધરપકડ કરાયેલા 11માંથી પાંચ અત્યારે અદાલતી કસ્ટડીમાં છે, જ્યારે છ પોલીસ કસ્ટડીમાં. આ કેસનો માસ્ટરમાઈન્ડ સંદીપ ધુનય દેશ છોડી ભાગી ગયો હોવાથી તેને વૉન્ટેડ જાહેર કરાયો છે. એ સિવાય અન્ય ત્રણ શકમંદોની પણ શોધ ચલાવાઈ રહી છે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button